National

બિહારના ખગરિયામાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા

બિહારના ખગરિયામાં બેલદોરથી જદયુના ધારાસભ્ય પન્નાલાલ સિંહ પટેલના ભાણેજ કૌશલ સિંહની બુધવારે સાંજે બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ગોડાઉન નજીક બની હતી.

મૃતકની ઓળખ જેડીયુના જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઇ હતી. હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે. ઘટના બાદ એસ.પી.એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી. કૌશલ સિંહની પત્નીનું કહેવું છે કે હું અને મારો પતિ બાઈક પર ગોડાઉન જઇ રહ્યા હતા. તે સમયે નેશનલ હાઈવે નંબર ૧૦૭ પર મારા પતિનો ભત્રીજાે ત્યાં આવી પહોંચ્યો અને તેણે સીધી ગોળી ધરબી દીધી.

આ સમગ્ર મામલે ખગરિયાના એસપી રાકેશ કુમારે કહ્યુ કે કૌશલ સિંહ પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને બદમાશોએ ગોળી મારી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્ટેશન ઇન્ચાર્જ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. એસપીએ કહ્યું કે હમણાં જ જે રિપોર્ટ આવ્યો છે તે દર્શાવે છે કે ગોળી માથાના પાછળના ભાગમાં વાગી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

વધુમાં તમણે કહ્યું હતું કે, પોલીસને તપાસ દરમિયાન આ ઘટનામાં સામેલ કેટલાક લોકોના નામ મળી આવ્યા છે અને તેથી અમારી ટીમે શોધખોળ આદરી છે. અમે તેમને ટૂંક સમયમાં પકડી લઈશું. પરિવારે જણાવ્યુ કે, ઘટનાનું કારણ પરસ્પર વિવાદ છે. સ્વાભાવિક છે કે અત્યારે કોઈ કંઈ કહી રહ્યું નથી. એક પ્રશ્નના જવાબમાં, એસપીએ કહ્યું કે હમણાં એવું લાગે છે કે ફક્ત એક કે બે ગોળી વાગી છે. પોસ્ટમોર્ટમ પછી સ્પષ્ટ થશે કે કેટલી ગોળીઓ વાગી છે. ગુનેગારોની સંખ્યા બે-ત્રણ હોવાનું કહેવાય છે પરંતુ આ બધું તપાસ પછી ખબર પડશે. બીજી તરફ, ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખરાબ છે અને તેઓ ખુબ રડી રહ્યા છે.