Gujarat

કોડીનાર ખાતે શ્રી હનુમાનજી મહારાજનો પાવન પર્વ જન્મોત્સવ ભક્તિભર્યા માહોલમાં ભવ્ય રીતે ઉજવાયો

વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ – કોડીનારના આયોજન હેઠળ ભક્તિમય આયોજન, મહંત શ્રી સરજુદાસ બાપુના પાવન સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો

અખંડ ભક્તિ, અડોલ શક્તિ અને પરમ સમર્પણના પ્રતીક શ્રી હનુમાનજી મહારાજના પાવન પર્વ જન્મોત્સવ નિમિત્તે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ – કોડીનાર દ્વારા ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, સંસ્કાર અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ભાવના હેઠળ રાખીને યોજાયો હતો.

આ પાવન પ્રસંગે 12 એપ્રિલ 2025 (શનિવાર), સવારે 10:00 કલાકે, ત્રિકમ રાય મંદિર, કોડીનાર ખાતે વૈદિક અને હનુમાનજીના સ્તોત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આ અવસરે ત્રિકમ રાય મંદિરના મહંત શ્રી સરજુદાસ બાપુના પાવન સાનિધ્યમાં સમગ્ર આયોજન પૂર્વક સંપન્ન થયું.

શહેર તથા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં રામાનંદી સમાજના યુવાનો, અને મહિલાઓ તેમજ આગેવાનો તથા મંડળના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને સેવાભાવી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રસંગ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ, આરતી, સંતવાણી અને શાસ્ત્રોચ્ચારણથી મંદિર પરિસર હનુમાનમય બની ઊઠ્યું હતું.

કાર્યક્રમની પૂર્ણાહૂતિના ભાગરૂપે સૌ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, એક સાથે ઉત્સાહભેર પ્રસાદનો લાભ લીધો.

આ પાવન પ્રસંગને સફળતાપૂર્વક આયોજન કરવા માટે મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કાર્યકર્તા સહિતની ટીમ અને સાથે તમામ યુવાનો દ્વારા ઉત્તમ સંકલ્પના અને સંગઠિત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

– વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ, કોડીનાર