શિક્ષણ એક સતત નાવીન્યપૂર્ણ આયામ છે ત્યારે મેળવેલ જ્ઞાનનો હકારાત્મક ઉપયોગ જીવનમાં ફળદાયી નીવડશે : સરપંચ હેમલતા ગોરાણી
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરમલા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નિવૃત્ત ગ્રાહક સુરક્ષા કોર્ટ અધિકારી મનિષ ચૌહાણ, શિક્ષણવિદ્ રામચંદ્ર દેસાઈ, નિવૃત્ત શિક્ષક હસમુખ દેસાઈ, ગામનાં સરપંચ હેમલતા ગોરાણી, વાલી અગ્રણી ગોરધનભાઈ તથા મુકેશભાઈ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો સહિત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રારંભે શાળાનાં આચાર્ય નિલેશ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી શાળાનો શૈક્ષણિક ચિતાર રજૂ કર્યો હતો. આ તકે મનિષ ચૌહાણે વિદાય લેતાં તમામ વિદ્યાર્થીઓને ‘વિધાર્થી જીવનમાં જ પોતાનું લક્ષ્ય નક્કી કરો’ તેમજ શિક્ષકગણને ‘વિદ્યાર્થીઓનું નિર્માણ શિક્ષકો કરે’ જેવાં વિશેષ પુસ્તકો સહિત આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે રૂપિયા ૫૧૦૦ દાન સ્વરૂપે અર્પણ કર્યા હતાં. આ સાથે રામચંદ્ર દેસાઈ, હસમુખ દેસાઈ, હેમલતા ગોરાણી તથા શાળાનાં શિક્ષક ભાઈ-બહેનોએ વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભાશિષ પાઠવ્યા હતાં.

સદર કાર્યક્રમમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિભેટ આપવામાં આવી હતી જ્યારે શાળા દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓ પોતાનાં શાળા સમયનાં સ્મરણો વાગોળી ભાવવિભોર થયા હતાં. અત્રે રજૂ થયેલ વિદાયગીતનાં સૂરોએ સૌની આંખો ભીની કરી હતી. કાર્યક્રમ બાદ શાળા આચાર્યનાં પિતાજી દુર્લભભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.
આ ભોજન મ.ભો.યો. સંચાલક અરૂણા ચૌહાણ, મુકેશભાઈ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા સ્ટાફગણે ભેગા મળીને વિદ્યાર્થીઓને ભાવપૂર્વક પીરસ્યું હતું. અંતમાં આભારવિધિ શાળાનાં ઉપશિક્ષિકા રેખા પટેલે આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.