ભભૂતી પિવડાવી રોગ મટાડતી, 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી છેતરપિંડી આચરતી ભૂઈનો ભાંડાફોડ
જેતપુર તાલુકાના વિરપુર પાસેના જેપુર ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી ભભુતી, માનતા, રોગ મટાડવાનો દાવો કરતી ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણાના ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૬૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈ ભાવના પતિ ધીરૂ કાળાએ કબુલાતનામું આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.
બનાવની વિગત પ્રમાણે રાજકોટ ગોકુલધામ પાસેના ક્વાર્ટરમાં સાસુ મંજુલાબેન રામભાઈ લોખિલના ઘરે જેપુરની ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણા આવી સવારથી પીડિતા રાધિકા નિર્મળને નડતર દૂર કરવા વિધિ-વિધાન માટે આવ્યા હતા. બાજોઠમાં સ્થાપન, ધાર્મિક વિધિ રાખવામાં આવી હતી. પતિ નિર્મળે કહ્યું રાધિકાને નડતર કાઢવા માટે ભુઈ દંપતિ બોલાવે છે. વિનાયકનગર રહેતી નણંદ મીરાબેન ખાંભરા આવી છે.
ભભુતી પીવા પીડિતાને બોલાવી હતી. અગાઉ પાંચ વર્ષમાં પાંચ થી છ ભુવાઓ આવીને ભુવાપણું કર્યું હતું. એક ભુવાએ બાથરૂમમાં પીડિતાને સ્નાન નવડાવાની વિધિ કરી હતી. પીડિતા ના પાડતી છતાં સાસુ-નણંદ મીરા જબરદસ્તી કરતી હતી. થોડા સમયથી સ્વામિનારાયણ ચોકમાં પીડિતા અલગ રહેવા ચાલી ગઈ હતી. પીડિતાને ભુવા દંપતિ પાસે જવું ન હતું તેથી સવારના સાડા દસથી માલવીયાનગર પો. સ્ટેશન, મહિલા પો. સ્ટેશન અને ફેમીલી કોર્ટમાં રૂબરૂ જવા છતાં કયાંય મદદ મળી ન હતી. એક પોલીસકર્મીએ વિજ્ઞાન જાથાની મદદ લેવા સલાહ આપી હતી. સાંજે સાડા ચાર કલાકે જાથાના કાર્યાલયનો સંપર્ક કરી પોતાની આપવિતી જણાવી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. જીગ્રેશ દેસાઈને વાત કરી તેમાં ગુન્હો બનતો અટકાવવો અતિ જરૂરી છે. પીડિતા આપઘાત કરે તે પહેલા જાથાને મદદ કરવા માંગણી કરી હતી. પો.ઈન્સ. દેસાઈએ તુરંત જાથાની મદદે પોલીસ સ્ટાફ કાળવી દીધો. મહિલા પોલીસ હર્ષાબેન દયાલભાઈ ડાભી અને જગદીશભાઈ પીઠાભાઈ સ્ટાફની ફાળવણી કરી દીધી. જાથાના જયંત પંડયા સાથે રોમિત રાજદેવ, મિનેષ જીવાણી, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખ સ્થાનિક સભ્યો પો. સ્ટેશને પહોંચી ગયા.
ત્યાં પિડીતા રાધિકા હાજર હતી. તેમની પાસે રૂબરૂમાં હકિકત જાણી ભુઈ ભાવના પાસે મોકલી દીધી. ત્યાં ભુઈ દંપતિએ વિધિ-વિધાન શરૂ કરી દીધા. જો કે બાદમાં જાથાના ચેરમેન જયંત પંડયાએ ભુઈ દંપતિ-પિડીતાને પો.ઈન્સ. દેસાઈ પાસે લઈ જવામાં આવ્યા. તેમણે કાયદાની વાત કરી. ગુન્હાની વાત કરતાં ભુઈ દંપતિ ભાંગી પડયું. કાયમી ભભુતી, માનતા, રોગ મટાડવાનું બંધ કરી દેવાની ખાત્રી આપી દીધી. આજથી ભભુતી આપવાનું, રોગ મટાડવાનું કે માનતા ઉતારવાની પ્રવૃત્તિની ધતિંગલીલા કાયમી બંધ કરું છું. લોકોની માફી માંગી કાયમી ભભુતી આપવાનું બંધની જાહેરાત કરી હતી.