Gujarat

ગુજરાતના 11 જિલ્લાનો 35000 ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે

સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.

દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મો વસ્તી અંદાજ-2025 સંભવિત 10થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની 10થી 11 અને આખરી વસ્તી અંદાજ 12થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35000 ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

સિંહોની વસ્તનીમાં સતત વધારો રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે. ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

2020માં 674 જેટલા સિંહની વસ્તી નોંધાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.