છોટાઉદેપુ જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન જેસીંગપુરા ફળિયામાં ઊંચાપાનથી ડુંગરવાટ જતા મુખ્ય માર્ગ પર સાઇટ સોલ્ડરની બાજુમાં જ લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનનું ખોદકામ કરતાં તે બિન ઉપયોગી બનાવાઇ રહી હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડ્યું છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જેસીંગપુરામાં બનાવવામાં આવી રહેલી ભૂગર્ભ ગટર લાઈન અહીંયા બિન ઉપયોગી હોય એમ લાગી રહ્યું છે. અહીંયા વરસાદી કે અન્ય કોઈ પણ પ્રકારના કાયમી ધોરણે પાણીની કોઇ આવક જ નથી. આ ભૂગર્ભ ગટર લાઈન બિનજરૂરી જગ્યાને બદલે જરૂરી જગ્યા પર બનાવવામાં આવે તો સદુપયોગ થાય.
લોકોના ટેક્સના રૂપિયાનો ખોટો વેડફાટ કરી પોતાનો ફાયદો કરવા આડેધડ ભૂગર્ભ ગટર લાઇન બનાવાય છે. તેમ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય માર્ગની બાજુમાં ખોદકામ કરતાં ઓવરટેક દરમિયાન ભર ચોમાસે જો વાહન ચાલક પોતાનું વાહન સાઇટ સોલ્ડર ઉપરની ગટર લાઇનમાં ખાબક તો એમાં નવાઇ નહીં રહે.
માર્ગ ઉપર માટીના ઢગ અને પાઇપો પણ માર્ગ ઉપર આડેધડ મૂકી દેવાતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા વિકાસના કામો યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો નાણાંનો જે ખોટો વેડફાટ થાય છે તે ના થાય.

