કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 28 પર્યટકોનાં મોત થયાં હતાં. આ નિર્દોષ મૃતકોને વડોદરા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડોદરા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશન દ્વારા માંડવીથી સોમવારે સાંજે 7 વાગે ગાંધી નગરગૃહ સુધીની મૌન રેલી કાઢી હતી. જેમાં 70 જેટલા સભ્યો સફેદ અને કાળા કપડાંમાં જોડાયા હતા.
ગાંધી નગરગૃહ પહોંચી મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. મહિલા એજન્ટોએ પણ આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી વખોડી હતી.
કાશ્મીર ટુર અંગે લોકો સાંભળવા પણ તૈયાર નથી
પરિવારો ગભરાયેલા છે. અમે કાશ્મીરની ટુર માટે કહીએ તો પણ તેઓ સાંભળવા તૈયાર નથી. હવે ફરી કાશ્મીરનો નજારો ક્યારેય જોવા મળશે તે પ્રશ્નો ઊભો થયો છે. 50% વ્યવસાય ઉપર અસર છે. > હેતલ દવે, સયાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
કાશ્મીર જ નહીં સમગ્ર ઉત્તર ભારતની ટુર પર અસર
અનેક લોકોને રિફંડ આપવા પડ્યાં છે. માત્ર કાશ્મીર નહિ, પરંતુ સમગ્ર ઉત્તર ભારતની ટુર પર અસર થાય છે. નવા ડેસ્ટિનેશન માટે બુકિંગ મળવું પણ મુશ્કેલ છે.> નેહા સોની, વિહો ટ્રીપ

