Gujarat

ગુડા-મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આશિષ દવે શહેર ભાજપ પ્રમુખ બન્યા

ગાંધીનગર શહેર ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ગુડાના પૂર્વ ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આશિષ દવેને આ જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ ભાજપ દ્વારા પરશુરામ જયંતીના દિવસે આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી. આશિષ દવે ભાજપ સંગઠનના અનુભવી કાર્યકર છે. તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેઓ સ્ટેન્ડીંગ ચેરમેન હતા. ત્યારબાદ તેમને ગુડાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી શહેર ભાજપમાં જૂથબંધી અને કાર્યકરોની અવગણનાની ફરિયાદો ઊઠી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ચોક્કસ જૂથનું વર્ચસ્વ વધી ગયું હોવાની ફરિયાદો પ્રદેશ કક્ષા સુધી પહોંચી હતી.

ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેવાતા હોવાની પણ ફરિયાદો હતી. આ પરિસ્થિતિમાં પ્રદેશ કક્ષાએથી તમામને સાથે લઈને ચાલે તેવા નેતૃત્વની જરૂર હતી. બ્રહ્મ સમાજના આશિષ દવેની નિમણૂક સાથે પ્રદેશ નેતૃત્વે જૂથબંધી નહીં ચલાવવાનો સંકેત આપ્યો છે.

વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતા છે. ભાજપ હાઈકમાન્ડ આ જવાબદારી કોને સોંપશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.