મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિવિધ પડતર માગણીઓ રજૂ કરી છે. સફાઈ કામદારોએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે 2020માં તેમને કાયમી કર્મચારી તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
કર્મચારીઓએ માગણી કરી છે કે તેમને 20 દિવસને બદલે 30 દિવસની નોકરી આપવામાં આવે. તેમણે જણાવ્યું કે અન્ય મહાનગરપાલિકા કે નગરપાલિકામાં સફાઈ કામદારોની નોકરી 20 દિવસની નથી. સફાઈ કામદારોએ તમામ કર્મચારીઓને આરોગ્ય વીમાની સુવિધા આપવાની માગણી કરી છે. આ સુવિધાથી તેમનું સ્વાસ્થ્ય જળવાશે અને સારવાર માટે પરિવાર પર આર્થિક બોજો નહીં પડે.
ભૂગર્ભગટર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનો પગાર બેન્ક ખાતામાં જમા થાય અને ઈપીએફની રકમ જમા થાય તેવી વ્યવસ્થાની માગણી પણ કરવામાં આવી છે. મૃતક સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની માગણી પણ કરવામાં આવી છે.
નગરપાલિકા સમયે ભરતી થયેલા જે સફાઈ કામદારો સફાઈ કામગીરી નથી કરતા અને અન્ય જગ્યાએ કામ કરે છે, તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.

