Gujarat

વડોદરામાં 26મીએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડોદરા આવી રહેલા વડાપ્રધાનના સ્વાગત અને સન્માન માટે વડોદરા કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ રોડ શો રૂટની મુલાકાત લીધી હતી. ભાજપા દ્વારા દરેક કાઉન્સિલરને 100 મહિલા લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એરપોર્ટ બહાર મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવાનું આયોજન ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલીવાર ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે અને અમદાવાદ, દાહોદ, ભૂજમાં આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપનાર છે ત્યારે દાહોદ જતાં પહેલાં વડાપ્રધાનનુ વડોદરા એરપોર્ટ બહાર મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવાનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. તેમ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

PM સવારે 10 કલાકે હરણી એરપોર્ટ ખાતે આવશે મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 કલાકે હરણી એરપોર્ટ ખાતે આવશે અને એરપોર્ટ બહાર સ્વાગત અને સન્માન માટે જનમેદનીનું રોડ શો દ્વારા અભિવાદન ઝીલશે.

વડાપ્રધાન એરપોર્ટના મુખ્ય ગેટથી બહાર નીકળી એરપોર્ટ સર્કલ થઇ ન્યુ વીઆઇપી રોડ તરફના એરફોર્સ ગેટથી એરપોર્ટમા જશે અને એરપોર્ટમાથી સીધા દાહોદ જવા રવાના થશે.