Gujarat

ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયાએ રૌદ્રરૂપ દેખાડ્યું, સહેલાણીઓને બીચ પરથી દૂર કરી પોલીસ પેટ્રોલિંગ શરૂ

સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાએ પોતાનું રૌદ્રરૂપ દેખાડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. દરિયામાં ભરતી અને ભારે ઉછળતા મોજાને કારણે દરિયા કિનારા પાસેથી સહેલાણીઓને દૂર કરાયા અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ડુમસ બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા ડુમસ દરિયામાં આજે સવારથી જ પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું હતું અને અચાનક જ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.

જેના પગલે ડુમસ બીચ તથા કિનારા પાસેના દરિયા ગણેશ મંદિર નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી બાજુ મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમસ બીચ પર આવી પહોંચ્યા હતા. જેને કારણે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીચ પરથી સહેલાણીઓને દૂર કરાયા ડુમસ દરિયામાં ભારે કરંટના દૃશ્યો વચ્ચે ડુમસ વિસ્તારમાં મોટી સંખ્યામાં આવેલા સહેલાણીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળ તરફ ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા ડુમસ બીચ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પોલીસના જવાનોએ ડુમસ બીચ વિસ્તાર અને દરિયા ગણેશ મંદિર પાસે નો એન્ટ્રી ઝોન જાહેર કરી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સ્થાનિક પોલીસ અધિકારીએ આપી હતી.