Gujarat

પીએમ સ્વનિધિ યોજનાના ૫ વર્ષ: ગુજરાત અમલીકરણમાં અગ્રેસર, ૨૦૨૪માં ૪.૭૯ લાખ વિક્રેતાઓને સશક્ત બનાવ્યા

નવેમ્બર ૨૦૨૪માં ૫.૨૦ લાખના સંશોધિત લક્ષ્યાંકના ૯૨.૧૪% હાંસલ કરીને ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે રહ્યું

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ- પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાનો અને તેમને પરંપરાગત નાણાંકીય વ્યવસ્થામાં એકીકૃત કરવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં વિક્રેતાઓ માટે લોન વિતરણ સરળ બને, તેઓ ડિજિટલ માધ્યમ સાથે જાેડાય અને તેમને નિયમિત સહાય મળે એ સુનિશ્ચિત કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના શેરી વિક્રેતાઓ અને નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે ૧ જૂન, ૨૦૨૦ના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જૂન ૨૦૨૫માં આ યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થશે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે શેરી વિક્રેતાઓના સશક્તિકરણ અને સમાવિષ્ટ આર્થિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતમાં કુલ ૪,૭૯,૧૪૧ શેરી વિક્રેતાઓએ મેળવ્યો પીએમ સ્વનિધિ યોજનાનો લાભ

પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. રાજ્યએ જુલાઈ ૨૦૨૩માં ૩ લાખ લોનનો પ્રથમ લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ ઑક્ટોબર ૨૦૨૪માં ૪ લાખ લોનનો બીજાે લક્ષ્યાંક પાર કરીને આ ઉત્કૃષ્ટ પ્રયાસો માટે રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની અસાધારણ પ્રગતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૪માં લોનનો લક્ષ્યાંક વધારીને ૫.૨૦ લાખ કર્યો હતો. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત આ સંશોધિત લક્ષ્યના ૯૨.૧૪% હાંસલ કરી ચૂક્યું છે અને આ બાબતમાં તે ચોથા ક્રમે છે. અત્યારસુધીમાં, કુલ ૪,૭૯,૧૪૧ શેરી વિક્રેતાઓએ કાર્યકારી મૂડી લોન અને જરૂરી માર્ગદર્શન દ્વારા આ યોજનાનો લાભ મેળવ્યો છે, જેથી તેમની આજીવિકાની સાથે આર્થિક સ્થિરતામાં પણ વધારો થયો છે. આ નાણાંકીય સમાવેશ અને શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાની તેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

લોન વિતરણથી વિક્રેતાઓ સશક્ત બન્યા, નાના પાયાના વ્યવસાયોમાં વૃદ્ધિ થઈ

ભારત સરકારે ૧૦૦% કેન્દ્રીય હિસ્સાની જાેગવાઈ હેઠળ ગુજરાતને વ્યાજ સબસિડીમાં ?૩૦.૪૭ કરોડની સહાય આપીને આ યોજના માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું છે. આ નાણાંકીય સહાયથી વિક્રેતાઓ પર ચૂકવણીનો બોજ હળવો થયો છે, જેના કારણે વધુ લોકો આ કાર્યક્રમમાં જાેડાયા છે. ગુજરાતમાં ૪.૭૯ લાખથી વધુ વિક્રેતાઓને લોનનો પ્રથમ હપ્તો, ૧.૭૧ લાખને બીજાે હપ્તો અને ૪૨,૧૭૬ વિક્રેતાઓને ત્રીજાે હપ્તો મળ્યો છે.

આ આંકડા નાના પાયાના વ્યવસાયો અને સ્વરોજગારીમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. ગુજરાત સરકારે શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, લક્ષિત વિતરણ શિબિરો, ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને તમામ શેરી વિક્રેતાઓ માટે સમયસર લોન વિતરણ અને નાણાંકીય સમાવેશ સુનિશ્ચિત કરવા માટે નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે.

શેરી વિક્રેતાઓ માટે ડિજિટલ અને નાણાંકીય સમાવેશને પ્રોત્સાહન આપી રહ્યું છે ગુજરાત
ગુજરાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ માટે ડિજિટલ સમાવેશ અને નાણાંકીય સાક્ષરતા પર ભાર મૂક્યો છે. રાજ્ય નિયમિતપણે ડિજિટલ સાક્ષરતા શિબિરોનું આયોજન કરે છે, વિક્રેતાઓને રિઅલ-ટાઇમ ચૂકવણી પ્રણાલીઓથી પરિચિત કરાવવા માટે નાના વ્યવહારોનો ઉપયોગ કરે છે, અને વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિતરણ શિબિરોનું આયોજન કરે છે.

આ પહેલ સરળ ઓનબોર્ડિંગ અને લાભોની સમયસર પહોંચની ખાતરી આપે છે. આ ઉપરાંત, રાજ્ય સ્તરીય બૅન્કર્સ સમિતિ (જીન્મ્ઝ્ર) અને વિવિધ નાણાંકીય સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગથી ગુજરાતની સફળતાને સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવાર અને શનિવારે લોન વિતરણ કરવામાં આવે છે, જે શેરી વિક્રેતાઓ માટે લોનની ઝડપી પહોંચ સુનિશ્ચિત કરે છે. તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ેંન્મ્)માં ખાસ ઝુંબેશ અને ઓનબોર્ડિંગ પ્રયાસો કોઈ વિક્રેતા પાછળ ન રહે, તેનું વ્યાપક કવરેજ મળે અને સમાવેશ સરળ બને એ સુનિશ્ચિત કરે છે. પરિણામે, અત્યારસુધીમાં વિક્રેતાઓને ડિજિટલ વ્યવહારો દ્વારા કુલ ?૧૫.૮૭ કરોડનું કૅશબૅક પણ મળ્યું છે.

શેરી વિક્રેતાઓનું સશક્તિકરણ: પીએમ સ્વનિધિ હેઠળ સમાવિષ્ટ વિકાસ માટે ગુજરાતનું મૉડેલ
પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગુજરાતની અસાધારણ સફળતા એ શેરી વિક્રેતાઓ અને તેમના સશક્તિકરણ પ્રત્યે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુજરાત સરકારે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને, નાણાંકીય સેવાઓની સુલભતામાં સુધારો કરીને અને મહત્વપૂર્ણ સહયોગીઓ સાથે ભાગીદારી કરીને હજારો શેરી વિક્રેતાઓને સફળ થવામાં મદદ કરી છે.

રાજ્ય આ પ્રતિબદ્ધતાને આગળ વધારતાં વધુ લોકો સુધી અસરકારક રીતે લાભો પહોંચાડવાનો અને દરેક વિક્રેતાને આર્થિક રીતે સ્થિર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ પ્રયાસો દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે, રાજ્ય સ્તરના પ્રયાસો કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવી શકે છે, સમુદાયોને ટેકો આપી શકે છે અને અર્થતંત્રને પાયાના સ્તરે વેગ આપી શકે છે.