Gujarat

ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ઇટ્રાના 200 લોકોએ યોગાભ્યાસ કર્યો

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ITRA) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 12 જૂનના રોજ સવારે 7:30થી 8:45 દરમિયાન રામસર સાઇટ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ઇટ્રાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરીએ નેતૃત્વ સંભાળ્યું. મેરિન નેશનલ પાર્કના ડેપ્યુટી કંઝરવેટરી ઓફ ફોરેસ્ટ પ્રસાદ રવિ રાધા કૃષ્ણન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઇટ્રાનો શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, ડીન, વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત 200 લોકોએ ભાગ લીધો હતો. સહભાગીઓએ પ્રકૃતિની વચ્ચે યોગાભ્યાસ કરી અભયારણ્યનું વાતાવરણ યોગમય બનાવ્યું હતું.

વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને 10 વર્ષ પૂર્ણ થશે. વિશ્વભરમાં યોગ પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને ઉત્સુકતાને ધ્યાનમાં રાખી, વિશ્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રયાસ લોકોને યોગ તરફ વધુ આકર્ષિત કરશે તેવી આશા છે.