Gujarat

મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષાનું પેપર અઘરું હોવાથી કટઓફ 550થી 560 વચ્ચે રહેવાની સંભાવના

દેશમાં UG મેડિકલ એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 4 મેના NEETની પરીક્ષા યોજાઈ હતી. સમગ્ર દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, આ વર્ષે NEETની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો હતો.

આ વખતે સૌપ્રથમવાર અત્યાર સુધીની સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન કરાયું હતું અને સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

જોકે, પેપર અઘરું રહેતાં કટઓફ 550થી 560 વચ્ચે રહે એવી શક્યતા એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદના 24 પરીક્ષા કેન્દ્ર પર 11058, સુરતના 22 સેન્ટર પર 10500, વડોદરાના 17 સેન્ટર પર 6233 અને રાજકોટના 13 પરીક્ષા કેન્દ્ર પર 6,337 વિદ્યાર્થી NEETની પરીક્ષા આપી હતી. NEETની પરીક્ષાનું પેપર ખૂબ જ અઘરું રહ્યું હતું. જેમાં 720 માર્કના 180 સવાલ પૂછવામાં આવ્યા હતા અને તેમાં બાયોલોજીના 360 માર્કના 90 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે પેપર લાંબુ અને ઉંડાણપૂર્વકનું હતું.

જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપર 180-180 માર્કના 45-45 પ્રશ્નો હતા. જોકે, તેમાં ફિઝિક્સનું પેપર ખુબ જ અઘરું રહ્યું હતું. જેથી, વિદ્યાર્થીઓને 40 માર્કના 10 જેટલા MCQ લખવાના રહી ગયા હોય તેવું બન્યું હતું.

જેથી, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કટઓફ 100 માર્ક્સ નીચે રહેવાની સંભાવના છે. વર્ષ 2024માં ગવર્મેન્ટ સીટમાં કટઓફ 648 માર્કનો હતો જેની સામે આ વર્ષે એટલે કે 2025માં કટઓફ 550થી 560 વચ્ચે રહે તેવું એક્સપર્ટનું કહેવું છે.