Gujarat

ઝારખંડમાં “રાષ્ટ્રીય ગૌ સેવા સંમેલન”– ગૌ આધારિત આત્મનિર્ભર ભારત તરફ ઐતિહાસિક પહેલ

ઝારખંડમાં “રાષ્ટ્રીય ગૌ સેવા સંમેલન”– ગૌ આધારિત આત્મનિર્ભર ભારત તરફ ઐતિહાસિક પહેલ

· “ગૌ આધારિત અર્થતંત્ર” આત્મનિર્ભર ભારત માટે મજબૂત આધાર: ડૉ. વલ્લભભાઈ કથીરિયા

ઝારખંડના રાંચી ખાતે આવેલા પશુપાલન ભવન, હાટિયામાં, ઝારખંડ ગૌ સેવા આયોગના ઉપક્રમે તા.19 અને 20 જૂનના રોજ રાષ્ટ્રીય સ્તરના બે દિવસીય “રાષ્ટ્રીય ગૌ સેવા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી શ્રીમતી શિલ્પી નેહા તિર્કી દ્વારા કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે ઝારખંડ દેશનું પહેલું એવું રાજ્ય છે કે જ્યાં ગૌશાળાઓને દરેક ગાયના આહાર માટે પ્રતિદિન પ્રતિ ગાય રૂ.૧૦૦ની સહાય આપવામાં આવે છે. આ પહેલ દેશ માટે અનુકરણીય ઉદાહરણરૂપ બની રહી છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું કે ગૌમાતા રાષ્ટ્ર નિર્માણની આધારશિલા છે. ગૌસેવા માત્ર ધર્મની બાબત નથી, પરંતુ પર્યાવરણ, અર્થતંત્ર અને આરોગ્ય, કૃષિ સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. તેમણે જણાવ્યું કે પંચગવ્ય ચિકિત્સા, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, બાયોગેસ, ગોબર અને ગૌમૂત્ર આધારિત ઉત્પાદનો ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે અને શહેરોમાં પણ તેનો લાભ પહોચી રહ્યો છે. ડૉ. કથીરિયાએ ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે ગૌ આધારિત ઉદ્યોગો દ્વારા આત્મનિર્ભરતા માટેના ઉદાહરણો સાથેના રસ્તાઓ બતાવીને આગળ વધવા પર ભાર મૂક્યો.
ડો. કથીરિયા એ વધુમાં કહ્યું કે ઝારખંડ સરકારની આ પહેલ પ્રશંસનીય છે, પણ હવે સમય આવી ગયો છે કે દેશભરની નોંધણી કરેલી ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને ઉત્પાદન કેન્દ્રોમાં ફેરવવામાં આવે. ગોબરમાંથી બનાવવામાં આવતા ઉત્પાદનો, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરવામાં આવતા ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ્સ, આયુર્વેદિક પંચગવ્યની દવાઓ અને ઓર્ગેનિક ખાતરને રાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પ્લેટફોર્મ મળે તેવા પ્રયત્નો થવા જોઈએ.
આ અવસરે વિભાગીય સચિવ શ્રી અબુ બક્કર સિદ્દીકીએ જણાવ્યું કે હવે ગૌસેવા વિભાગ માત્ર ગાયોની રક્ષા માટે મર્યાદિત નહીં રહે, પરંતુ નોંધણી કરેલી ગૌશાળાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટેની સુદ્રઢ કાર્યયોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે કાર્યશાળામાં મળેલા સૂચનોના આધારે રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ અને કાર્યયોજના બનાવવામાં આવશે કાર્યશાળામાં રાજ્યના અન્ય મંત્રીઓએ પણ હાજરી આપી અને પોતપોતાના મૂલ્યવાન વિચારો મૂક્યા. રાજ્ય મંત્રી શ્રી સુદિવ્ય કુમાર સોનૂએ કહ્યું કે ઝારખંડને ગૌસેવાના ક્ષેત્રે અગ્રણી રાજ્ય બનાવવા માટે સરકાર ગંભીર પ્રયત્નો કરી રહી છે અને ગૌપાલન દ્વારા રોજગારી તથા ઉદ્યોગોને ઉત્તેજન આપવાનું હવે રાજ્યનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે ગ્રામીણ અર્થતંત્ર માટે ગૌપાલન ખૂબ જ અસરકારક બનશે એ દ્રષ્ટિએ ભાર મૂક્યો.
ઝારખંડ ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી રાજીવ રંજન પ્રસાદે જણાવ્યું કે આ કાર્યશાળા દેશભરમાંથી આવનાર એવા સમર્પિત ગૌસેવકોનો સમાગમ છે જે વર્ષોથી નિઃસ્વાર્થભાવથી કાર્યરત છે. તેઓએ કહ્યું કે ઝારખંડને સમગ્ર દેશમાં ગૌસંરક્ષણ અને સંવર્ધન માટે મોડેલ રાજ્ય બનાવવાનું તેમનું લક્ષ્ય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુબોધકાંત સાહયએ કહ્યું કે ઝારખંડ સરકારમાં પહેલેથી જ ગૌસેવા પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું અને હવે તેને રાષ્ટ્રીય નીતિના કેન્દ્રમાં સ્થાન આપવું જરૂરી બની ગયું છે.
કાર્યશાળામાં ગૌઉત્પાદનની પ્રદર્શન ગેલેરી, પુસ્તક વિમોચન અને વૈજ્ઞાનિક વિચારોના સત્રો પણ યોજાયા હતા. દેશભરના વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ગૌસંરક્ષકો, ગૌ સેવકો,ગૌ પાલકો, ગૌ ઉધમી, કૃષિકારો અને નીતિ નિર્માતાઓએ ગૌ આધારિત અર્થતંત્ર અંગે વિહંગમ અને ગહન ચર્ચાઓ કરી હતી કાર્યશાળાના અંતે ડૉ. કથીરિયાએ જણાવ્યું કે જો આપણે ગ્રામોદય દ્વારા રાષ્ટ્રોદય કરવો હોય, તો ગૌમાતા એ વિકાસની કેન્દ્રબિંદુ હોવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગાય એ એકમાત્ર એવો જીવ છે જે દુધ, ખાતર, ઈંધણ, ઔષધ, પર્યાવરણ શુદ્ધિ અને રોજગારી – દરેક ક્ષેત્રમાં યોગદાન આપે છે. ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા આપણે સૌ સંકલ્પ કરીએ.
આ પ્રસંગે ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઝારખંડ ગૌ સેવા આયોગની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ આયોજન ગૌ સેવા, ગૌ સંવર્ધનને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250621-WA0179.jpg