Gujarat

તારી ચરણ રજનો સ્પર્શ ઉંબરે થયો, જે ઘર હતું તે પવિત્ર ધામ બની

મન અંજુમન
ડૉ. સ્નેહલ નિમાવત
9429605924

તારી ચરણ રજનો સ્પર્શ ઉંબરે થયો,
જે ઘર હતું તે પવિત્ર ધામ બની ગયું.

વાચા ગલી ગલીને મળી ગઈ એટલે,
રાહજીવન તણી સર્વ સુંદર હવે બની ગઈ.

તારી પ્રસિદ્ધિ મને આથી કામની,
ખ્યાતિ ઈશને આપી બધુ સારુ થયું.

આગમન તારું થયું હવે તે,
ભાગ્યરેખા દિલકશ હસ્તની બદલી ગયું.
– દિલીપ આચાર્ય ” દિલકશ ”
દિલીપ આચાર્યની આ કવિતા છે. તેઓ દિલકશ ઉપનામથી કવિતા લખે છે. તેઓ સાહિત્યમાં ઊંડો રસ દાખવે છે. ગદ્ય અને પદ્યમાં તેઓ લખે છે. કવિતા, વાર્તા અને લેખ લખે છે. તેઓ નવોદિતોને પ્રેરણા આપવા “કવિ કલાવૃંદ” સંસ્થા ચલાવે છે. પુસ્તક વિમોચન અને પ્રકાશનમાં બધાને મદદ કરે છે. સાહિત્યની સેવા માટે આ સંસ્થા તેમણે વિકસાવી છે. તેમની સાહિત્યપ્રીતિ તેમના સેવાના કાર્યોમાં જોઈ શકાય છે…

“તારી ચરણ રજનો સ્પર્શ ઉંબરે થયો,
જે ઘર હતું તે પવિત્ર ધામ બની ગયું.”

એક સ્ત્રી ચાર દીવાલને ઘર બનાવે છે. ઘરની સુંદરતા વધારે છે. ઘરને મંદિર બનાવે છે. રોજ સવાર સાંજ પૂજા થાય એ ઘર મંદિર બને છે. એમાં પણ આપણી મનગમતી પ્રિય વ્યક્તિ આપણા ઘરમાં આવે તો આપણું મન અને ઘર બંને પવિત્ર બને છે. લાગણીસભર જીવન બની જાય છે. પ્રેમ જીવનમાં હોય તો સંતોષનો ઓડકાર મનને ટાઢક આપી જાય છે.

“વાચા ગલી ગલીને મળી ગઈ એટલે,
રાહજીવન તણી સર્વ સુંદર હવે બની ગઈ.”

પ્રેમ જીવનમાં અને ઘરમાં આવે તો એ ખુશી આપણી આંખોમાં અને આપણા ચહેરા થકી સૌને જાણ થઈ જ જાય છે. લોકોને આપણી આંખોમાં પ્રેમ સહજે દેખાઈ આવે છે. જીવનમાં એવી ખુશ્બુ આવીને રોકાઈ જાય કે આખું જીવન જાણે મજાનું થઈ જાય. જીવનમાં ખુશી જ ખુશી રહી જાય છે. જીવનમાં પ્રેમ હોય તો ગમે તે મુશ્કેલી આવે તેને પાર કરવા હિંમત આપોઆપ આવી જાય છે. આખું જીવન જાણે સુંદર બની જાય છે. જેમ સુંદર બગીચો મનને ખુશી આપી જાય છે એમ જ પ્રેમ મનને એવી ખુશી આપી જાય છે કે તે જીવનમાંથી ક્યારેય જાય નહીં…

“તારી પ્રસિદ્ધિ મને આથી કામની,
ખ્યાતિ ઈશને આપી બધુ સારુ થયું.”

સમર્પણની અદ્ભુત વાત અહીં આ પંક્તિઓમાં મૂકી છે. ઈશ્વરને આપણી ખુશી અને આપણા દુઃખ પણ સમર્પિત કરીએ તો જીવનમાં ઈશ્વરની દિવ્યતા આવે છે. ઇશ્વરનો આભાર દરેક ઘડીએ માનીએ તો જીવન ધન્ય બની જાય છે. પ્રસિદ્ધિ પણ ઈશ્વર થકી જ છે એવું માનીને પ્રાર્થના કરીએ ત્યારે આપણા દરેક કાર્યમાં ઇશ્વર આપણી સાથે જ રહે છે. સારુ થાય તો પણ ઈશ્વરની કૃપા નરસું થાય તો પણ ઈશ્વરની કૃપા. આ ભાવ હૃદયમાં જ્યાર થી જાગે5 ત્યારથી ઈશ્વર આપણા જીવનને એની કૃપા વરસાવી સુંદર બનાવે છે….

“આગમન તારું થયું હવે તે,
ભાગ્યરેખા દિલકશ હસ્તની બદલી ગયું.”

પ્રેમનું આગમન ઇશ્વરનું આગમન છે. જીવનમાં ખૂબ પ્રેમ વરસે ત્યારે સમજવું ઈશ્વરની ખૂબ કૃપા વરસી રહી છે. શુદ્ધ પ્રેમ ઈશ્વર છે. ઈશ્વરને પ્રેમ થકી જ પામી શકાય છે. જીવનમાં ઈશ્વરની કૃપા વરસે તો સંસાર રૂપી સાગર સહજે પાર કરી શકીએ છીએ. જીવનમાં પ્રેમ અને ઈશ્વર બંને હોય તો બીજા કશાની જરૂર રહેતી નથી. તકલીફ અને દુઃખ પણ આપણા મનને ચલિત કરી શકતા નથી….

ટૂંકું ને ટચ
પ્રેમ થકી જીવન સુંદર બને છે. પ્રેમ થકી જ ઈશ્વરને પામી શકાય છે….

IMG-20250622-WA0021.jpg