ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) હબની સ્થાપના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ૯૯ વર્ષના લીઝ પર અયોધ્યામાં આઠ એકર જમીન ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા ર્નિણયનો હેતુ મંદિર નગરી અને આસપાસના સંવેદનશીલ મથકોમાં સુરક્ષા મજબૂત બનાવવાનો હતો.
“અયોધ્યા અને નજીકના સંવેદનશીલ મથકોની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે NSG હબ સ્થાપવા માટે આઠ એકર જમીન કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભાડે આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો,” યુપીના નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે અયોધ્યા સદર તહસીલમાં ગૌરા બારિક છાવણી વિસ્તારમાં આવેલી જમીન એક વખતના અપવાદ તરીકે કેટલીક શરતો સાથે મફતમાં ટ્રાન્સફર કરવામાં આવશે, ભવિષ્યમાં તેને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં નહીં આવે.
“આ પગલું અયોધ્યામાં મજબૂત સુરક્ષા માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે,” ખન્નાએ ઉમેર્યું.
આ જમીનનું સ્થાન કોઈપણ ખતરાના કિસ્સામાં ચુનંદા NSG કમાન્ડોની તૈનાતી અને કામગીરી માટે વ્યૂહાત્મક હોવાનો દાવો કરવામાં આવે છે.
આ કેન્દ્ર ભારત અને વિશ્વભરના ભક્તો દ્વારા તેના મંદિરોમાં ઉમટતા પ્રદેશમાં ઝડપી પ્રતિભાવ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે, આ બાબત સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું.

