જૂનાગઢ લેઉવા પટેલ મહિલામંડળની પ્રેરણાદાયી ગાથા- ગરીબઘરની બહેન-દિકરીને આર્થિક ઉન્નતીનાં દ્વારે પહોંચી કરવા પ્રેરક પ્રયાસ
જુનાગઢ માં ૫૫૦૦ જેટલા સિલાઇ મશીન, ૨૦૦૦ દિકરીઓને સમુહલગ્ન દ્વારા સાસરે વળાવવી, અને કોરોના કાળે ૫૦૦૦ જેટલી રસોઇધરની કીટનું વિતરણ
જૂનાગઢ નગર એ તો સેવાનું તિર્થક્ષેત્ર છે. અહીં આવનાર યાત્રીક હોય કે પર્યટક પણ આજેય આર્તનાદ સંતૃપ્તીનો અનુભવી શકે છે. પરિક્રમા હોય કે શિવરાત્રી અન્નક્ષેત્રોનાં ધમધમતા રસોડા હોય કે સંતોનાં તીર્થ મંડળ હોય કે આપાગીગા, પરબધામ, ભગવાન સ્વામિનારાયણની વિચરણભુમિનાં તિર્થોમાં આજેય જઠારાગ્ની ઠારતા સેવાક્ષેત્રો કાર્ય કરે છે. આ ભુમિમાં કોઇ ગરીબ બહેનનાં રસોડાની જ્યોત બુઝાય નહીં તેની પણ ખેવના કરનાર સત્યમ સેવા યુવક મંડળ હોય કે બાબા મિત્રમંડળ હોય કે ગિરનારી ગૃપ હોય કે ગાયત્રી પરિવાર હોય ક્યાંક આરોગ્યની ખેવાના થતી હોય, તો ક્યાંક ગરીબ બાળકોની ભણતરની વ્યવસ્થા થતી હોય, એવા સેવાભાવનાં કોડીયામાં ટમટમતા દિવડાઓ જૂનાગઢની જ્યોતીને ઉજાશમાં પરિવર્તીત કરતા હોય એવુ અવશ્ય લાગે,
આજે વાત કરવી છે જૂનાગઢ જિલ્લાની લેઉવા પટેલ મહિલા મંડળની બહેનોની સેવા પરાયણ પ્રવૃતિની, ૧૪ વર્ષ પહેલા પ્રિતીબેન બાબુભાઇ વઘાસિયાનાં નેતૃત્વમાં સંગઠીત લેઉવા પટેલ સમાજની બહેનોએ સાથે મળી સેવાક્ષેત્રે કાર્યારંભ કર્યો હતો. મુળ આકોલવાડી(ગિર) ગામનાં બાબુભાઇ વઘાસિયાને ઈશ્વરે બે કન્યારત્નોની ભેટધરી છે. દિકરીઓનાં ઉછેર સાથે બાબુભાઇનાં ધર્મચારીણી પ્રિતીબેન લેઉવા પટે મહિલા મંડળની બહેનોને સથવારે જૂનાગઢની ગરીબ પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા હામભીડી કાર્યરત થયા, પ્રિતિબેને સેવાની પુર્વે વાત કરતા કહ્યુ કે મારૂ પિયર ધોરાજી છે. મારા પિતાશ્રી હરિભાઈ મોહનભાઈ પટોળિયા બી.એસ.એન.એલ.માં સેવાનિવૃત થતાં ધોરાજીની તેજાભગતની જગ્યા સાથે સેવાનાં સત્કાર્યથી જોડાયેલ હતા. મારા પરિવરાનું મોટુ સંતાન હું , બે નાના ભાઇઓ કમલેશ અને મયુર અને એક નાની બહેન માધવી સૈા આનંદથી માતા મંજુલાબેનનાં પાલવ તળે ઉછરતા હતા. પરંતુ ધોરાજીનાં તેજાભગતની જગ્યામાં મારા પિતાની સેવા સરવાણીનાં સંસ્કારો મને વારસામાં મળતા હું જ્યારે મારા સાસરે આવી ત્યારે તેજાબાપાનાં આશિર્વાદથી આંકોલવાડી અને બાદમાં જૂનાગઢમાં મારા પરિવારની જવાબદારી વહન કર્યા બાદ મેં મારૂ જીવન ગરીબ પરિવારની બહેનો આત્મનિર્ભર બની પોતાનાં કુંટુંબ અને સંતાનોને સ્વામનભેર ઉછેરી શકે તેમાં સહાયરૂપ બનવા નિર્ધાર સાથે મારા સાથીદાર બહેનોની સહાયથી લેઉવા પટેલ મહિલા મંડળનાં બેનર તળે સેવાકાર્યનો પ્રારંભ કર્યો હતો. આજે સેવાની સરવાણી ૧૪ વર્ષ પુર્ણ કરી રહી છે. આજ સુધીમાં અમોએ ૫૫૦૦ બહેનોને સિલાઇ મશીન આપી રોજગારી દ્વારા તેમનાં જીવનમાં સુધારો કરવા નિમિત બન્યા છીએ તો, ૨૦૦૦ જેટલી ગરીબ પરિવારની દિકરીઓને સમુહ લગ્નનાં માધ્યમે સાસરે વળાવવા દીકરીનાં પિતાનો હાથ મજબુત કર્યો છે. તો કોરોના સમયે ૫૦૦૦ જેટલી રસોઇઘરની જરૂરીયાતો સાંકળીને અનાજની કીટનું નિઃશુલ્ક વિતરણ કરી જરૂરીયાતમંદ પરિવારને ત્યાં ચુલો પ્રજ્જવલ્લીત રાખવા સેવા સત્કાર્યમાં જોડાયા હતા.
પ્રતિબેન વઘાસિયા વાત કરતા ઉમેરે છે કે આજનાં દેખા-દેખીનાં યુગમાં અને વધતા જતા ભૈાતિક સંશાધનોની ભરમાળને પહોંચી વળવા બહેનોએ આર્થિક પગભર અને સશક્ત થવુ ખુબ આવશ્યક છે. બહેનોએ શિક્ષિત-દિક્ષીત બની પરિવારનીની ઉન્નતિમાં સહયોગી બની રહેવુ આજનાં સમયની માંગ છે. જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા વિધવા બહેનો, ત્યકત બહેનો, જે ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિની નાદુરસ્ત તબીયત હોય, કે ઘરમાં એકથી વધુ દિકરીઓ હોય તેવા પરિવારોનો રૂબરૂ સંપર્ક સાધી તેમની આવશ્યકતા અનુસાર સહાયરૂપ બનવુ એ અમારૂ લક્ષ રહ્યુ છે. અમારી બહેનો સક્કરબાગ પાછળ આવેલી ઝુપડપટ્ટીનાં બાળકોનાં શિક્ષણકેન્દ્ર દ્વારા અભ્યાસ કરાવવા, નગર અને ગામડા વૃક્ષાચ્છાદિત બની રહે તે માટે વૃક્ષારોપણ કરવુ, અમારા દ્વારા મહિલા ગૃહઉદ્યોગની રચના કરી બહેનો દ્વારા ઉત્પાદિત ભરતગુંથણ, મરીમસાલા, હળદર-મરચું-હીંગ વગેરે રસોઇઘરનાં મસાલા, ઘઉંની સિઝનમાં સાફસુફ અનાજ, પાપડ, અથાણા ઈત્યાદીનું બજાર વ્યવસ્થાપન કરી આપવા સહાયભુત બનીએ છીએ. પ્રિતીબેને એક દુખીયારી બહેન જ્યારે તેમને મળવા આવી ત્યારે તેનના શબ્દોને ટાંકીને વાત કરતા જણાવ્યુ કે બહેન મારા ૧૪ વર્ષનાં દિકરા અને ૧૦ વર્ષની દિકરીએ આજે નવા કપડા મળ્યા છે તેનું કારણ તમે આપેલ સિલાઇ મશીન થકી અમે રોજગારી મેળવી ઘરની જરૂરતો પુરી કરવા સક્ષમ બન્યા છીએ. આ વાતથી પ્રિતીબેને જણાવ્યુ કે ગરીબોનાં આશિર્વાદ એ જ અમારો ખરો એવોર્ડ છે. તેમણે આ સેવાકાર્યમાં આર્થિક સહયોગી દાતાશ્રીઓ અને કાર્યપ્રેરક હરસુખભાઇ ગોકળભાઇ વઘાસિયા પરત્વે ઋણાનુભાવ વ્યક્ત કરી જણાવ્યુ કે દાતાનાં સહયોગ વિના સેવાકાર્ય અસંભવીત છે. મહિલા સશક્તિકરણ એ વૈશ્વિક સ્તરે એક મહત્ત્વનો પડકાર છે. બહેનોને સમાન અધિકારો અને તકો મળે તે દિશામાં કાર્ય કરી મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે પગલાં લઈ રહ્યા છીએ.આજે મજેવડી ગામે ક્રિષ્નાબેન સરધારા અને રાણપુર ગામે વિભાબેન ઠુમર જેવી બહેનોનાં સાથ સહયોગથી જાગૃતિ શિબીરો ગોઠવી જૂનાગઢ જિલ્લાનાં ગામે ગામ મહિલા સશક્તિકરણ આધ્યાત્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક રીતે મહિલાને સશક્ત કરવાની આ પ્રવૃતિને વેગ આપી રહ્યા છીએ.જેનાથી આર્થિક ઉન્ન્મુલન અને ગરીબ પરિવારની બહેનો પોતાની ક્ષમતામાં વિશ્વાસ કેળવી સશક્તબની પોતાની ક્ષમતાનો વધારો કરી શકે છે. જેનાથી બહેનોમાં પોતાની નિર્ણય ક્ષમતા હોવી, યોગ્ય નિર્ણય લેવા માટે માહિતી અને સ્રોતોની પ્રાપ્યતા, વિકલ્પોની શ્રેણીની પ્રાપ્યતા જેમાંથી વ્યક્તિ પસંદગી કરી શકે, એકથી વધુ વ્યક્તિઓ જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ હોય ત્યારે તેમની દૃઢતા, બદલાવ લાવવા માટે પોતાની ક્ષમતા માટે સકારાત્મક વિચાર, વ્યક્તિગત અને જૂથ શક્તિ વધારવા માટે શીખવાનું કૌશલ્ય વર્ધન, લોકશાહીના આધાર પર લોકોના વલણ બદલવાની ક્ષમતા વધવી, વિકાસની પ્રક્રિયા અને બદલાવમાં સામેલ થવુ અને સ્વમાન, ભયમાંથી બહાર આવવુ અને પોતાની છબીને સુધારવી જેવી બાબતો કેળવાય છે. જેના થકી આજે વેશ્વિક ફલકે મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે.
રિપોર્ટર મહેશ કથીરિયા