રાજ્યના સૌથી મોટા અને વધારે રકમનું બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કામોની સમીક્ષા બેઠક આજે 9 જુલાઈના રોજ ભાજપના સત્તાધીશો અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ હતી. વર્ષ 2024- 25 અને 2025-26ના બજેટના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
બજેટમાં જાહેરાત કરાયેલા કઠવાડા ગૌશાળા, ગટરના સફાઈમાંથી નીકળતી માટીનો રિયુઝ સહિતના કુલ ત્રણ કામોને અત્યારે હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 2024-25ના મંજૂર કરાયેલા બજેટના 80 ટકા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ 1400 કરોડથી વધુના કામો અત્યારે ચાલી રહ્યા છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2024-25 અને 2025-26ના બજેટના કામોની સમીક્ષા કરવામાં આવી છે.
2024-25ના વર્ષમાં એપ્રિલથી જૂન દરમિયાન વિકાસના કામો પાછળ રૂ. 968 કરોડનો ખર્ચ થયો હતો તેની સામે ચાલુ વર્ષે આ સમયગાળામાં રૂ. 1484 કરોડનો ખર્ચ વિકાસના કામો પાછળ થયો છે. વિકાસના અનેક કામોમાં રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રાન્ટ આપવામાં આવે છે. જેને કારણે શહેરમાં વિકાસના કામો પાછળ તંત્ર ખર્ચ કરી શક્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પણ મ્યુનિ. દ્વારા વિકાસના કામો પાછળ રૂ. 6 હજાર કરોડથી વધારેનો ખર્ચ થવાની શક્યતા છે.

