Gujarat

એક મહિનામાં બંને સિંહના મૃત્યુ બાદ ગિરના જંગલમાં સન્નાટો, વન્યજીવ પ્રેમીઓ શોકમાં

ગિરના જંગલની પ્રખ્યાત સિંહ જોડી જય અને વીરુ હવે આ દુનિયામાં નથી રહ્યા. એકાદ મહિના પહેલાં વીરુના અને ગતરોજ જયના અવસાન સાથે, ગીરની આ અજોડ જોડી વિખરાઈ ગઈ છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસો છતાં જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી. પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વિરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો.” તેમણે ઉમેર્યું, “જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન આ રાજસ્વી જોડીને નિહાળી હતી.”

ગીરના હ્રદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી હતી. આ વાસ્તવિક જોડી પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી.