કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘તુ મેરી, મેં તેરા’નું શૂટિંગ હાલ આગ્રામાં ચાલી રહ્યું છે. ફિલ્મના શૂટિંગ માટે મંગળવારે સવારે અનન્યા પાંડે અને જેકી શ્રોફ તાજમહેલ ખાતે પહોંચ્યા હતા. વિશ્વની અજાયબી જોવા આવેલા પ્રવાસીઓએ જેકી શ્રોફ સાથે ફોટો પણ પડાવ્યાં હતાં.
વહેલી સવારે તાજમહેલમાં આખું શૂટિંગ સેટઅપ શરૂ થયું. પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે અહીં શું થઈ રહ્યું છે. પછી તેમણે જેકી શ્રોફને પ્રિન્ટેડ શર્ટ, કાળા ટ્રાઉઝર અને ટોપી પહેરેલા જોયા. ફિલ્મના કેટલાક ભાગો તાજમહેલમાં શૂટ કરવામાં આવ્યા હતા પરંતુ, વરસાદને કારણે શૂટિંગ બંધ કરવું પડ્યું.
શૂટિંગ દરમિયાન થોડા સમય માટે પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અમે તાજમહેલ જોવા માટે દૂર દૂરથી આવ્યા છીએ. અમને કેમ રોકવામાં આવી રહ્યા છે?’ શૂટિંગ માટે પ્રવાસીઓને રોયલ ગેટ પર રોકી દેવામાં આવ્યા હતા. તેમણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. શૂટિંગના વીડિયો બનાવતા પ્રવાસીઓના મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યા. શૂટિંગને કારણે પ્રવાસીઓ રોયલ ગેટ પર ફોટા પડાવી ન શક્યા.