ચોટીલા તાલુકાના ધરમપુર (ચોબારી) ગામે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં કાર્યક્રમની સફળ આયોજન માટે વિવિધ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી. મામલતદાર ચોટીલાને મંડપ, સ્ટેજ અને આમંત્રણ પત્રિકાની કામગીરી સોંપાઈ. નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) લીંબડીને ધ્વજવંદન માટે પોલનું સ્ટેન્ડ બનાવવાની જવાબદારી અપાઈ.
પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોલડીને રાષ્ટ્રધ્વજની સલામી, પરેડ અને કાયદો વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોટીલાને કાર્યક્રમની મિનિટ ટુ મિનિટ આયોજન અને એન્કરિંગની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયું.
તાલુકા હેલ્થ ઓફિસર ચોટીલાને કાર્યક્રમના સ્થળે મેડિકલ ટીમ સાથે હાજર રહેવાનું કહેવામાં આવ્યું. આચાર્ય/સરપંચ/તલાટી કમ મંત્રી ધરમપુરને સ્થળની સાફ-સફાઈ અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી અપાઈ.
નાયબ કાર્યપાલક ઇજનેર PGVCL ચોટીલાને વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચોટીલાને વૃક્ષારોપણનું આયોજન કરવાની અને ચીફ ઓફિસર ચોટીલા નગરપાલિકાને ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી.

