જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા લોકમેળા સામે ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીને લઈને આજથી શરૂ થનાર મેળો હજુ ક્યારે શરૂ થશે કે નહીં થાય તે નિશ્ચિંત બન્યું નથી. બીજી બાજુ તમામ પાસાઓ અને મુદ્દાઓ મુક્યા બાદ હવે સોમવારે કોર્ટના નિર્ણય તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલુ વર્ષે તા.10થી તા.24 ઓગસ્ટ વચ્ચે શ્રાવણી મેળો યોજવા માટે એડીચોટીનં જોર લગાવી રહેલી જામનગર મહાનગરપાલિકા સામે થોડા દિવસ પહેલાં એક આસામીએ કોર્ટમાં દાવો કર્યાે હતો.
પ્રદર્શન મેદાનમાં સ્થળાંતરીત કરવામાં આવેલા એસટી ડેપોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાશે તેવી ભીતિ સાથે કરાયેલા દાવાને નીચલી અદાલતે કાઢી નાખી દંડ ફટકાર્યાે હતો.
તે હુકમ સામે આ આસામીએ સેશન્સ કોર્ટમાં કરેલી અપીલ પછી અદાલતે તે કેસ અંગે વધુ સુનાવણી કરવા અને નિર્ણય લેવા નીચેની કોર્ટને સૂચન કરી હંગામી સ્ટે આપ્યો હતો અને દંડનો હુકમ રદ્દ કર્યાે હતો. તેથી નીચેની અદાલતમાં આ મુદ્દે ફરીથી સુનાવણી કરવામાં આવી હતી. અદાલતમાં જામ્યુકોના વકીલ તથા કોર્ટ દ્વારા આમંત્રિત કરવામાં આવેલા કોર્ટ મિત્રો (એડવોકેટ્સ) વચ્ચે ચાલી રહેલી દલીલોની સુનાવણી પૂર્ણ થયા પછી તેનો ચૂકાદો સોમવાર પર મુલત્વી રાખવામાં આવ્યો છે.