ગુજરાતના ગૌરવ સમા સિંહોના મુખ્ય આશ્રયસ્થાન એવા ગીર જંગલમાં રચાયેલા ગીર નેશનલ પાર્ક ને 50 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે હવે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વનવિભાગે નવો રોડમેપ તૈયાર કર્યો છે. છેલ્લી ગણતરી મુજબ સાવજો 30 હજાર સ્ક્વેર કિમી વિસ્તાર માં હોવાનું સામે આવ્યું છે.
પણ આગામી 20 વર્ષ માં સિંહો 60 હજાર સ્ક્વેર કિમી માં ફેલાઈ જશે. અને આ નવા વિસ્તારો માં સિંહો ને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટેનું આયોજન થઈ રહ્યું છે. તેમ સાસણ ડી. સી. એફ. ડો. મોહન રામે જણાવ્યું હતું. આગામી વર્ષોમાં સાવજો નવા 6 જિલ્લામાં પણ જોવા મળી શકે છે.
2005 માં 359 સિંહો હતા. જે 2010માં 411 અને 2025માં 891 થયા મતલબ 20 વર્ષેમાં 102 ટકાનો વધારો થયો આજ ગતિથી વૃદ્ધિ જાળવી રાખવા પ્રોજેક્ટ લાયન @ 2047 લાગુ કરાયો છે એ હિસાબે આવનારા 20 વર્ષમાં અડધા ગુજરાત પર સિંહોનો કબ્જો હોય શકે. હમણાં તાજેતર માં થયેલી સિંહ ગણતરીમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર ના અમુક ભાગ ઉપરાંત બોટાદ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માં પણ સિંહોએ મૂવમેન્ટ કરી હોવાનું સ્પષ્ટ થયું છે.
સૌથી સારા સંકેત એ છે કે, હાલ પુખ્ત નર ની સંખ્યા 196 અને સિંહણ ની સંખ્યા 330 છે. જે સૂચવે છે કે હજુ પણ સિંહો ની વસ્તી વધતી જશે. અને એટલા માટે જ સિંહો ને ગિરની બંને બાજુએથી આગળ વધવાનું અનુકૂળ વાતાવરણ પણ મળી રહ્યું છે. એનો મતલબ એ છે કે સિંહ પોતાના ગુમાવેલા ભૂતકાળ ના આશ્રય સ્થાનો તરફ ફરી કૂચ કરી રહ્યા છે.
છેલ્લી ગણતરી સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લાઓ માં કરવામાં આવી હતી. જેમાં 32 ટકા ની વૃદ્ધિ સાથે સિંહોની સંખ્યા 891 થઈ છે. નાના જંગલો, નદીઓ, કોતર, દરિયા કાંઠાઓને નેચરલ કોરિડોર બનાવી સિંહો હાલ પૂરા સૌરાષ્ટ્રમાં પ્રસરી ગયા છે. હવે અહીંથી સરકાર અને વનવિભાગ ની સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને રક્ષણાત્મક નીતિ શરૂ થાય છે.
જેમાં 2900 કરોડ ના પ્રોજેક્ટ લાયન નો મોટો ફાળો રહેશે. જેમાં હવે સાવજો જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં પ્રોટેક્ટ ફોરેસ્ટ અને રિઝર્વ ફોરેસ્ટ ની જમીન ને ઓળખી ને ખોરાક, પાણી અને અન્ય પરિબળો ચકાસવા, રેસ્ક્યુ સેન્ટરો ક્યાં બનાવવા, જોખમો કઈ રીતે ટાળવા તેનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે.