‘સાથ નિભાના સાથિયા’ની ગોપી વહૂ એટલે કે જીયા માણેક લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. અમદાવાદી એક્ટ્રેસે અચાનક ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને સારા સમાચાર આપ્યા છે.
જિયા માણેકે ‘દિયા ઔર બાતી હમ’ સિરિયલમાં સૂરજના નાના ભાઈ ‘મોહિત રાઠી’ની ભૂમિકા ભજવનાર વરુણ જૈન સાથે છાનાંમાનાં લગ્ન કરી લીધા છે. આમ તો એક્ટ્રેસ પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે પરંતુ તેણે લગ્નના ફોટો શેર કરતા ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

સામાન્ય રીતે સેલિબ્રિટીઝ ભવ્ય રીતે લગ્ન કરતા હોય છે, પણ જિયાએ અનોખી રીતે લગ્ન કર્યાં છે. જિયાએ શેર કરેલા ફોટોમાં તે ગોલ્ડન કલરની સિલ્કની સાદી સાડી અને સોનાના ઘરેણાંમાં એકદમ એલિગન્ટ લાગી રહી છે. સાથે જ તેના પતિ વરુણે પણ ગોલ્ડ અને પીળા શેડની શેરવાની અને શોલ પહેરેલી છે.
નોંધનીય છે કે, જિયાએ તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત ઈશા યોગા સેન્ટર ખાતે ‘ભૂત શુદ્ધિ કલ્યાણમ’ કર્યા છે. ‘ભૂત શુદ્ધિ કલ્યાણમ’ એટલે લગ્ન પહેલા વર અને વધૂના શરીર અને મનનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ વિધિમાં, લગ્ન કરનાર યુગલને તેમના જીવનની નવી શરૂઆત કરતા પહેલાં ભૂતકાળના દોષો, ખરાબ કર્મ અથવા નકારાત્મક ઊર્જાથી મુક્ત કરવામાં આવે છે. આ લગ્નનો મુખ્ય ઉદ્દેશ યુગલના જીવનને પવિત્ર અને શુભ બનાવવાનો છે.