Entertainment

આજે વાણી કપૂરનો 37મા જન્મદિવસ

દિલ્હીમાં ઊછરેલી વાણી કપૂર આજે બોલિવૂડની એક ફેમસ એક્ટ્રેસ છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તે એક હોટલમાં કામ કરતી હતી. તેનો દૂર-દૂર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નહોતો. એટલું જ નહીં, તેના પિતા વાણીના ફિલ્મોમાં આવવાના નિર્ણયની વિરુદ્ધ હતા, જોકે તેની માતાએ તેને ટેકો આપ્યો અને પછી તે મુંબઈ આવી ગઈ.

વાણીએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને ત્યાર બાદ તેણે યશ રાજ ફિલ્મ્સ સાથે સીધી ફિલ્મ સાઇન કરી. તેને તેની પહેલી ફિલ્મથી જ ઓળખ મળી હતી, જોકે 2016માં રિલીઝ થયેલી ‘બેફિકરે’માં રણવીર સિંહ સાથેના તેના 23 કિસિંગ સીન્સે તેને ચર્ચામાં લાવી દીધી હતી.

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી ટૂરિઝમમાં ગ્રેજ્યુએટ થયા પછી વાણી કપૂરે જયપુરની ઓબેરોય હોટલમાં ઇન્ટર્નશિપ કરી. આ પછી તેણે ITC હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું અને અહીંથી તેણે ફિલ્મોમાં હિરોઈન બનવાનું સપનું જોયું. એક વખત હોટલમાં ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું, જેને જોઈને વાણીના મનમાં ફિલ્મી જગત બેસી ગયું અને તેણે એમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું.

જ્યારે એક્ટ્રેસે તેના પરિવારને આ નિર્ણય વિશે કહ્યું ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓ નહોતા ઇચ્છતા કે વાણી મોડલિંગ કરે કે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરે. વાણીના પિતા હંમેશાં ઈચ્છતા હતા કે છોકરીઓના લગ્ન વહેલા થવા જોઈએ. તેની મોટી બહેનના લગ્ન 18 વર્ષની ઉંમરે થયા હતા, પરંતુ વાણીએ મન બનાવી લીધું હતું કે તે ફક્ત ફિલ્મોમાં જ પોતાનું કરિયર બનાવશે. આવી સ્થિતિમાં તેણે તેના પિતાની વિરુદ્ધ જઈને મોડેલિંગ શરૂ કર્યું અને નોકરી પણ છોડી દીધી. પિતાએ આ નિર્ણયને ટેકો ન આપ્યો, પણ તેની માતાએ તેને સંપૂર્ણ ટેકો આપ્યો.