Gujarat

ઘોઘંબાના સિમાલીયા ગામેથી ટ્રક સાથે દારૂનો મોટો જથ્થો પકડાયો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઘોઘંબા તાલુકાના સિમાલીયા ગામેથી આશરે 47 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને એક ટ્રક ઝડપી પાડ્યા છે. કરોલી ફાટક ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 16056 નંગ વિદેશી દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન મળી આવ્યા હતા.

એલ.સી.બી. ગોધરાના પો.સ.ઈ. એસ.આર. શર્માને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, એમ.પી.-09-એકયુ.-0398 નંબરના આઇસર ટ્રકમાં દિલીપસિંહ ઉર્ફે ગનું બળવંતસિંહ પરમાર અને અરવિંદસિંહ ઉર્ફે ગાંડો સોમસિંગ જાદવ ભુસાની બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વેજલપુરથી ઘોઘંબા થઈ વડોદરા જઈ રહ્યા હતા.

આ ચોક્કસ બાતમીના આધારે, એલ.સી.બી. સ્ટાફના માણસોએ સિમાલીયા ગામે કરોલી ફાટક ત્રણ રસ્તા પર નાકાબંધી કરી. બાતમી મુજબની આઇસર ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી માઉન્ટસ 6000 સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-56040 (કિંમત રૂ. 10,70,190/-), ગોઆ વ્હીસ્કીના ક્વાર્ટરિયા નંગ-10416 (કિંમત રૂ. 26,14,416/-), આઇસર ટ્રક નંબર એમ.પી.09-એકયુ.0398 (કિંમત રૂ. 10,00,000/-) અને ભુસાની બોરીઓ નંગ-60 (કિંમત રૂ. 12,000/-) મળી આવ્યા હતા. આમ, કુલ મુદ્દામાલની કિંમત રૂ. 46,96,606/- આંકવામાં આવી છે.