જીએસટીના અધિકારીઓએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે ફૂડ-રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલાં 16 વેપારીને ત્યાં 25 જેટલાં સ્થળોએ તાજેતરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 52.07 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યાં હતાં. આ સાથે જ GST વિભાગે 4.88 કરોડની કરચોરી પકડી પાડી છે.
જીએસટીના અધિકારીઓએ તાજેતરમાં ફૂડ-રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલાં કરદાતા દ્વારા કરચોરીના ઉદ્દેશથી કેવા પ્રકારની રીત તરકીક અપનાવવામાં આવે છે, તેની ચકાસણી કરવા અધિકારીઓ પોતે ગ્રાહકના સ્વાંગમાં વેપારીઓના ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી હાથ ધરી હતી.
જેમાં કરચોરી માટે અપનાવેલ વિવિધ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેમાં પેમેન્ટ ડાયવર્ટ કરવા માટે એકથી વધુ ક્યૂઆર કોડનો ઉપયોગ, કાચી ચિઠ્ઠી દ્વારા વ્યવહારો, ઇન્વોઇસ વિના વેચાણ કરવું અને કંપોઝિશન સ્ક્રીમનો દુરપયોગ કરીને વાસ્તવિક ટર્નઓવર 1.50 કરોડથી ઓછું દર્શાવી કંપોઝિશન સ્કીમનો ખોટી રીતે લાભ લેતાં હતા.
આ ગેરરીતિથી સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ વાસ્તવિક વેચાણ ઓછું દર્શાવીને કાયદેસરની વેરાકીય જવાબદારી ટાળતાં હતા. અત્યારસુધીની તપાસમાં 52.07 કરોડના બિન હિસાબી વ્યવહારો પર વ્યાજ અને દંડ સહિત કુલ રકમ 4.88 કરોડથી વધુની કરચોરી મળી આવી છે. વિભાગ દ્વારા વસૂલાત અને રાજયની આવકના સંરક્ષણ માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

