સુરતમાં વિપક્ષી નેતા અને પોલીસ વચ્ચેના ઘર્ષણ દરમિયાન ફરજ પર હાજર રહેલા મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારા યુઝર્સ સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે.
પુણા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, જેના પગલે ‘જય મહાકાલ’ નામથી ફેસબુક આઇડી ધરાવતા યુવક પ્રકાશ નાગજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રકાશ સાડીમાં સ્ટોન લગાવવાના કારખાનામાં મેનેજર છે આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ સમયે ફરજ નિભાવી રહેલા મહિલા PSIની કામગીરીનો વીડિયો એક કાર્યકર રજનીકાંત વાઘાણીએ ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.આ વીડિયો પોસ્ટ થયા બાદ, તે જ પોસ્ટ પર અનેક યુઝર્સે મહિલા PSI વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જે બાદ આ મામલો ગંભીર બની ગયો હતો.