Gujarat

પાવીજેતપુર નજીકથી ₹ ૧.૭૭ લાખનો ગાંજો ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પોલીસે ₹ 1.77 લાખથી વધુ કિંમતના ગાંજા સાથે મધ્યપ્રદેશના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. એમપી પાસિંગની એક ઈક્કો ગાડીમાંથી 17.787 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે પાવીજેતપુર ખાતે બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે, વસવા નાળા નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન છોટાઉદેપુર તરફથી આવતી સફેદ કલરની ઈક્કો ગાડી (નંબર MP-09-DJ-4657) ને રોકાવી તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹ 1,77,870/- આંકવામાં આવી છે. ગાંજાનો જથ્થો સેલોટેપથી વીંટાળેલા ત્રણ ખાખી પેકેટો, એક લીલા કલરનો ચેનવાળો થેલો અને એક પીળા કલરની મીણીયા થેલીમાં છુપાવેલો હતો.

પોલીસે કમલ તુક્કારામ પિપલીયા (ઉ.વ. 34), રાજાભાઈ મુકેશભાઈ બારેલા (ખોટે) (ઉ.વ. 21) અને મહેબુબ રજાક મન્સુરી (ઉ.વ. 43) ની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના અંજડ ગામના રહેવાસી છે.