વડોદરાની પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ ઉઘડતા વેકેશને તા.૮ નવેમ્બરે યોજવામાં આવશે.જેમાં ૧૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૨૭૦ કરતા વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
આજે પત્રકારો સાથે વાતચીતમાં વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે તેમજ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે.
યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ માટેનું આયોજન પહેલેથી જ થઈ ગયું છે.તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે.ડિગ્રી સર્ટિફિકેટ પણ છપાવીને તૈયાર કરી દેવાયા છે. એટલે ઉઘડતા વેકેશને સમારોહ યોજવામાં વાંધો નહીં આવે. ઉલ્લેખનીય છે કે, તા.૬ નવેમ્બરે વેકેશન પૂરુ થવા જઈ રહ્યું છે. પદવીદાન સમારોહ આમ તો તા.૫ સપ્ટેમ્બરે યોજાવાનો હતો. જાેકે આ દરમિયાન જ નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત થતા સત્તાધીશોને પદવીદાન સમારોહ પાછો ઠેલવો પડયો હતો. જાેકે હવે વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા માટે વધારે રાહ જાેવી નહીં પડે. પદવીદાન સમારોહ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે તે ફેકલ્ટીમા વિદ્યાર્થીઓને ડિગ્રી વિતરણ કરવામાં આવશે.
યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે પદવીદાન સમારોહ પૂર્વે ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવાની ૧૦ વર્ષ કરતા વધારે સમયથી ચાલી આવતી પરંપરા બંધ કરી દીધી હતી. આ માટે તેમણે કોઈ નક્કર કારણ પણ આપ્યું નહોતુ. આ બદલ ડો.શ્રીવાસ્તવ પર માછલા પણ ધોવાયા હતા. જાેકે ડો.શ્રીવાસ્તવની વિદાય બાદ હવે નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે આ પ્રથા આગળ ધપાવે તેવી શક્યતા છે. રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, આ વર્ષે વી આર પ્રાઉડ ઓફ યુ શિર્ષક હેઠળ ગોલ્ડ મેડલ મેળળનારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.