નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોનો મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાણી પીવા જતાં બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા. આ દરમિયાન પગ લપસતાં બાળકો કેનાલમાં ડૂબ્યા હતા. કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકો પાણીમાં તણાયા હતા. ઘટનાને લઈને સ્થાનિકો અને પોલીસ દ્વારા શોધખોળ કરીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બાળકોના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ દુર્ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિકોએ તંત્રને કેનાલ પાસે સુરક્ષાને લગતા પગલા લેવા માગ કરી છે.