ગીર અને ગીર ગઢડા પંથકમાં સિંહોના રાત્રી પેટ્રોલિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યારે વધુ એક અદ્ભુત અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સૂમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહપરિવાર નીકળતાં રોડ બ્લોક થયો હતો, જેના પગલે વાહનચાલકો થંભી ગયા હતા.

પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો વાઇરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહોના આ ગ્રુપમાં સિંહણની સાથે પાઠડા (કિશોર સિંહ)નું આખું ગ્રુપ પસાર થઈ રહ્યું હતું. સિંહ પરિવાર રોડ પર આવતાં જાણે રસ્તો જામ થઈ ગયો હતો અને વાહનોના પૈડાં થંભી ગયા હતા. આ અદ્ભુત દૃશ્યો વાહનચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

