ભારતમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે “રન ફોર યુનિટી-2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
આ દોડ રણમલ તળાવ ગેટ નં.1ના પાર્કિંગથી શરૂ થઈ, શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુ અને મયુર મેડિકલ થઈને રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થશે. દોડ પૂર્ણ થયા બાદ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની પૂર્ણાહુતિના ભાગરૂપે સામૂહિક સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડ્સ, શાળાના વિદ્યાર્થીઓ અને જામનગરના નાગરિકો સહિત અનેક લોકો સહભાગી થશે. બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલા અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

