Gujarat

AAP દ્વારા લીમડીમાં કિસાન મહાપંચાયતનું આયોજન, ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા ગોપાલ ઇટાલીયાની અપીલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામ ખાતે આવનારા 31 ઑક્ટોબરે યોજાનાર કિસાન મહાપંચાયત અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

સુદામડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, ખેડૂતોના પ્રશ્નો ઉકેલાવવા અને તેમની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવા માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેશે.

ખેડૂતોના પ્રશ્નો ઉકેલી અને પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આજે માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. મગફળી, સોયાબીન, કપાસ સહિત લગભગ તમામ પ્રકારના પાકોમાં ભારે નુકસાન થયું છે.

ઘણા વર્ષોથી ખેતીનો ધંધો હવે નુકસાનીનો ધંધો બની ગયો છે. પાક નુકસાનીનું યોગ્ય વળતર ખેડૂતોને મળી જાય તો ખેડૂતને ઓછામાં ઓછું વર્ષ સંતુલિત રીતે પસાર થઈ શકે, પરંતુ સરકારે આજ સુધી ખેડૂતોની વાત સાંભળવાની કોઈ તૈયારી બતાવી નથી. સરકારમાં અભિમાન આવી ગયું છે.’