અમદાવાદમાં રહેતા નિવૃત્ત રેલવેના લોકો ઇન્સ્પેક્ટર સાથે સાઇબર ગઠિયાઓએ 30.65 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. નિવૃત્તિ ઇન્સ્પેક્ટરને શેર બજારમાં રોકાણ કરવાનું કહીને તેમની વિગત મેળવી શરૂઆતમાં 25 લાખ પડાવ્યા હતા. જે બાદ તેમને 44 લાખ રૂપિયાનો નફો બતાવ્યો હતો. નફાની રકમ ઉપાડવા બીજા 5 લાખ ભરાવ્યા હતા. આમ કુલ 30.65 લાખ રૂપિયાની ઠગાઈ મામલે નિવૃત ઇન્સ્પેક્ટરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીને શેર બહારમાં રોકાણના નામે ગ્રુપમાં એડ કર્યા વસ્ત્રાપુરમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ રેલવે ડિપાર્ટમેન્ટના ડીઆરએમ ઓફિસ ખાતે લોકો ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા. વર્ષ 2024માં તેઓ નિવૃત થયા છે અને નિવૃત્તિ બાદ તેઓ ઘરે જ હતા. 1 જુલાઈ, 2025ના રોજ તેમને વ્હોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેને શેર બજારમાં રોકાણ કરવાનું કહીને તેમને ગ્રુપમાં એડ કર્યા હતાં.
આ ગ્રુપમાં તનુશ્રી અને રમણ નામના વ્યક્તિઓ શેરબજારમાં રોકાણ માટેની ટિપ્સ આપતા હતા. જેની સામે ગ્રુપના સભ્યો રોકાણ કરવાથી થયેલા નફાના સ્ક્રીનશોટ ગ્રુપમાં મુકતા હતા. નિવૃત ઇન્સ્પેક્ટરને આ મેસેજ જોઈને વિશ્વાસ આવતા તેમણે પણ રોકાણ કરવાની તૈયારી બતાવી હતી, જેથી તેમને સંદીપ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો.
સંદીપે ઇન્સ્પેક્ટરની તમામ વિગત મેળવી હતી અને રજીસ્ટ્રેશન કરાવવા માટેની લીંક મોકલી હતી. ઇન્સ્પેક્ટર તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને તેમની વિગત એડ કરી હતી. જે બાદ તેમના બેંકની ડિટેલ પણ અંદર એડ કરી હતી.

