Gujarat

જામનગરમાં 10 માસમાં અકસ્માતના 223 બનાવો, 105 લોકોએ જીવ ગુમાવ્યા

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 10 માસમાં વાહન અકસ્માતના 223 બનાવોમાં 105 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો 264 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા છે. જેમાં હાલ પણ અમુક વ્યક્તિઓને તો ફેક્ચર થયા હોવાથી ચાલી શકે તેવી પણ સ્થિતિમાં નથી. તો સૌથી વધુ અકસ્માતના ગુનાઓ પંચકોશી એ અને બી ડિવિઝનમાં નોંધાયા છે.

જામનગરમાં ટ્રાફીક સપ્તાહની લાખો રુપિયાના ખર્ચે ઉજવણી કરવામાં આવતી હોવા છતાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે છેલ્લા 10 માસમાં શહેર અને જિલ્લામાં અકસ્માતના 223 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

જેમાં અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હોવાના 92 બનાવો નોંધાતા 105 વ્યક્તિઓના મૃત્યુ નિપજતાં પરિવારજનો શોકમય બની ગયા છે. તો અકસ્માતમાં અમુક પરિવારજનોએ આશાસ્પદ પુત્રો, પુત્રીઓ ગુમાવ્યા છે. તો અમુક પરિવારોજનોએ માતા-પિતા તેમજ ભાઈ-બહેન ગુમાવ્યા છે.

આજની તારીખે પણ પરિવારજનો સ્વજનની ખોટને ભુલાવી શકતા નથી. તો ગંભીર અકસ્માતના 106 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા તેમાં 174 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો હાથ-પગમાં ફેક્ચર તેમજ હેમરેજ સહિતની ઈજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તો પગમાં થયેલા ફેક્ચરથી પથારીમાં છે. તો સામાન્ય અકસ્માતના 25 ગુનાઓ નોંધાતા 90 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની પોલીસમાં નોંધ થઈ છે.