ગુજરાતમાં મતદાર યાદીની સુધારણા માટેનો વિશેષ કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. આ દરમિયાન દરેક બૂથ લેવલ અધિકારીઓ ઉમેરાનાં ફોર્મની ઘરેઘરે વહેંચણી કરી રહ્યા છે. આ કાર્યક્રમ શરૂ થતાં જ હાલ ગુજરાતમાં મતદાતાની સંખ્યા શૂન્ય કરી દેવાઇ છે.
આ સુધારણા કાર્યક્રમને અંતે સમાવિષ્ટ નામો જ મતદાર યાદીમાં રહેશે. જે લોકોના નામ એકથી વધુ સ્થળે મતદાર તરીકે નોંધાયેલા હશે, ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા હશે કે મૃત્યુ પામેલા હશે તેમના નામ ઉમેરાશે નહીં.
પ્રવર્તમાન છેલ્લી મતદાર યાદી મુજબ ગુજરાતમાં 5.08 કરોડથી વધુ નોંધાયેલા મતદાતાઓ હતા. જો કે સમગ્ર સુધારણાને અંતે એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 20 લાખ નામ ડીલીટ થાય અને 10 લાખ નામ નવા ઉમેરાય તેવી શક્યતા છે. નવા ઉમેરાયેલા નામોમાં તાજેતરમાં 18 વર્ષ પૂર્ણ કરેલા મતદાતાઓ ઉપરાંત કાયમી વસવાટ માટે બહારના રાજ્યમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા લોકોના નામ નવી યાદીમાં શામેલ કરાશે.
બૂથ લેવલ ઓફિસર યાદી તૈયાર કરવા માટે એક ઉમેરાનું ફોર્મ આપશે જેમાં મતદાતાઓએ વિગત ઉમેરી તેમના નામ આખરી 2002ની યાદી સાથે મેળવવાના કે લિંક કરવાના રહેશે. 2002માં જેમના નામ સમાવિષ્ટ થયા હશે તેમને ખાસ કોઇ ખરાઇની જરૂર નહી રહે પરંતુ તે પછી ઉમેરાયેલા મતદાતાઓએ કેટલાંક પૂરાવા આપવાના રહેશે. “

