Gujarat

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ એકતાનગર ખાતેના વામન વૃક્ષ વાટિકા – બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લઈ પ્રકૃતિપ્રેમનો સંદેશ આપ્યો

પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અભિગમ હંમેશા પ્રેરણાદાયક રહ્યો છે. તે જ દિશામાં તા. ૦૮ નવેમ્બરના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ એકતાનગર ખાતે વિકાસ પામેલા વામન વૃક્ષ વાટિકા – બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લઈને પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સંવેદના અને સંતુલનનો અનોખો સંદેશ આપ્યો હતો.

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યના આકર્ષક પરિસરમાં વિકાસ પામેલ બોન્સાઈ ગાર્ડન કુદરતી સૌંદર્ય અને પર્યાવરણના સમન્વયનું જીવંત ઉદાહરણ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વિવિધ જાતિના બોન્સાઈ વૃક્ષોને નિહાળી તેની સુવ્યવસ્થિત સંભાળની પ્રશંસા કરી હતી.

મુલાકાત દરમ્યાન વનવિભાગના ડી.સી.એફ. શ્રી અગ્નિશ્વર વ્યાસે રાજ્યપાલશ્રીને બોન્સાઈ, તેના પ્રદર્શન વિસ્તાર અને કુદરતી સંતુલનના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં રજૂ કરાયેલ એક સંક્ષિપ્ત શોર્ટ ફિલ્મ નિહાળી હતી, જેમાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.

વધુમાં, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ષ ૧૯૮૦ માં રોપાયેલું ૪૫ વર્ષ જુનું ફાઈકસ રેટુસા (ગુલર) બોન્સાઈ વૃક્ષ નિહાળ્યું અને તેની સાથે સ્મૃતિરૂપે તસ્વીર પણ ખેંચાવી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અમિત અરોરા જાેડાયા હતાં.