‘રમશે બાળક, ખીલશે બાળક‘
ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, મેયર મીરાબેન પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો રમકડા એકત્રીકરણમાં જાેડાયા
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ‘રમશે બાળક, ખીલશે બાળક‘ ના ભાવ સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં રમકડા એકત્રીકરણ અભિયાનનો શહેરના વોર્ડ નં. ૯ અને ૧૦ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેકટર ૩ બી અને સેકટર ૬ ના રહેણાંક વિસ્તારમાંથી બિનવપરાશી રમકડાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાગરિકોનો અભૂતપૂર્વ જનપ્રતિસાદ જાેવા મળ્યો હતો અને ભૂલકાઓએ હોંશે હોંશે જરૂરિયાતમંદ બાળકો માટે પોતાના રમકડા અર્પણ કર્યા હતા. જે બાળકો સાથે કોઈ સીધો સબંધ પણ નથી તેવા અન્ય જરૂરિયાતમંદ બાળકોના આનંદિત બાળપણ માટે નાગરિકોની સંવેદના દૃશ્યમાન થઈ હતી. આગામી સમયમાં આ રમકડા આંગણવાડી અને જરૂરિયાતમંદ બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

રમકડા એકત્રીકરણ કાર્યમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, મેયર મીરાબેન પટેલ, સંગઠન અને મહાનગરપાલિકાના સંગઠનના પદાધિકારીઓ સહિત આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતાં.

