પોલીસે સોમવારે જણાવ્યું હતું કે ફરીદાબાદના ફતેહપુર ટાગા ગામમાં એક ઘરમાંથી લગભગ ૨,૫૬૩ કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના માલિકને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે.
ધૌજ ગામમાં ભાડાના ઘરમાંથી ૩૬૦ કિલોગ્રામ વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યાના એક દિવસ પછી આ ઘટના બની છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘરમાં જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ૩૫ વર્ષીય ચિકિત્સક ડૉ. મુઝમ્મિલ શકીલ રહેતા હતા, જેઓ અલ-ફલાહ મેડિકલ કોલેજમાં ભણાવતા હતા.
ફરીદાબાદના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઈમ) વરુણ દહિયાના જણાવ્યા અનુસાર, ડૉ. શકીલે લગભગ આઠ મહિના પહેલા ફતેહપુર ટાગામાં ઇમામ પાસેથી ઘર ભાડે લીધું હતું.
“અમને આરોપીઓ દ્વારા ભાડે લેવામાં આવેલા બે ઘર મળ્યા છે. મૌલવીની મિલકતમાંથી એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું. અમે મૌલાના ઇસ્તાકની પૂછપરછ કરી રહ્યા છીએ, પરંતુ વધુ વિગતો શેર કરવાનું હજુ વહેલું છે,” દહિયાએ જણાવ્યું.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે પોલીસ ટીમ સોમવારે વહેલી સવારે મસ્જિદમાં પહોંચી હતી અને ઇસ્તાકની અટકાયત કરી હતી.
“પોલીસ ઇમામ સાહેબને લઈ ગઈ છે. મને ખબર નથી કેમ. તેઓ ૨૦ વર્ષથી અહીં સેવા આપી રહ્યા છે,” તેમની પત્નીએ કહ્યું, અધિકારીઓએ તેમનો ફોન પણ જપ્ત કર્યો.
ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો તેમની ધરપકડના લગભગ ૧૫ દિવસ પહેલા ડૉક્ટરને મોકલવામાં આવ્યો હતો અને તે મોટા આતંકવાદી કાવતરાના ભાગ રૂપે ૈંઈડ્ઢ એસેમ્બલી માટે હતો.
તપાસકર્તાઓ ડૉક્ટર મુઝમ્મિલને ઓળખતી મહિલા ડૉક્ટરની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં તેમના નામ હેઠળ નોંધાયેલા વાહનમાંથી એકે ક્રિન્કોવ રાઈફલ, ત્રણ મેગેઝિન, જીવંત રાઉન્ડવાળી પિસ્તોલ અને બે ખાલી કારતૂસ મળી આવ્યા બાદ હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફરીદાબાદ પોલીસે અત્યાર સુધી વ્યાપક તપાસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, એમ કહીને કે એક સંકલિત બહુ-એજન્સી કામગીરી ચાલી રહી છે.
“આ તબક્કે વધુ ખુલાસો તપાસને અવરોધી શકે છે,” એક અધિકારીએ જણાવ્યું.

