પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝનમાં ₹1.76 કરોડથી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 164 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોલર અને જેસીબી ફેરવી નાશ કરાયો.
નાશ કરાયેલા દારૂના જથ્થામાં કુલ 1,22,073 બોટલોનો સમાવેશ થાય છે. તેની બજાર કિંમત ₹1,76,10,576 આંકવામાં આવી હતી આ કાર્યવાહી હાલોલના ડી.વાય.એસ.પી., પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં થઈ હતી. હાલોલ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર અને 25 પોલીસ કર્મચારીઓ પણ આ પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા હતા.

આ દારૂનો જથ્થો હાલોલ ડિવિઝન હેઠળના 6 પોલીસ મથકોમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા 164 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયો હતો. સૌથી વધુ 53,024 બોટલો હાલોલ રૂરલ પોલીસ મથકની હદમાંથી પકડાઈ હતી, જ્યારે સૌથી ઓછો 1,270 બોટલનો જથ્થો હાલોલ ટાઉન પોલીસ મથકનો હતો.

