Gujarat

3 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, અન્ય બેની શોધખોળ

મોરબી તાલુકામાં ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. લખધીરપુર ગામ નજીક ટ્રકમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ બાદ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં એલસીબી ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

આ ઘટના મોરબી-લખધીરપુર રોડ પર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે બની હતી. ફરિયાદ મુજબ, ટ્રક ડ્રાઇવરે પોતાનું ટ્રક ટ્રેલર (નં. RJ 14 GQ 4374) પાર્ક કરીને કેબિનમાં સૂતો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ટ્રકની ડીઝલ ટાંકીનું લોક તોડી આશરે 140 લિટર ડીઝલ ચોરી લીધું હતું. રૂ. 13,000ના ડીઝલની ચોરી અંગે ટ્રક ડ્રાઇવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ જે.પી. કણસાગરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ડીઝલ ચોરીમાં સંડોવાયેલી સ્વિફ્ટ કાર (નં. GJ 3 HR 0581) જૂના ઘુંટું રોડ પર સ્મશાન પાસે ઊભી છે.

એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હરેશભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ બાલસાણીયા (ઉં.વ. 21, રહે. ભવાનીનગર, હળવદ) અને જીજ્ઞેશભાઈ ઉર્ફે જુગો ભરતભાઈ ખેર (ઉં.વ. 26, રહે. મેરૂપર, હળવદ)નો સમાવેશ થાય છે. તેમને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.