Gujarat

સરદાર પટેલની 150મી જન્મજયંતિ, પદયાત્રા આયોજન

હિંમતનગર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ના સૂત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં 16થી 22 નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે.

આ પદયાત્રા અંતર્ગત દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાની મુખ્ય પદયાત્રા હિંમતનગર ખાતે યોજાશે. આ દરેક પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તેવી અપેક્ષા છે.

જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, સરદાર સ્મૃતિવનની સ્થાપના કરાશે અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે.

અન્ય કાર્યક્રમોમાં સખી મંડળના સ્ટોલ્સ, આરોગ્ય કેમ્પ, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા, તેમજ યોગ અને આરોગ્ય શિબિરોનો સમાવેશ થાય છે.