તાજેતરમાં જ 15 વર્ષમાં પહેલીવાર રાજ્યનાં નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થઇ ગયો હતો. રાજકોટમાં બુધવારે પણ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે 21 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલાંની સીઝન શરૂ થશે. ત્યારે રાજકોટ સહિત રાજ્યમાં સૌથી કાતિલ ઠંડી અનુભવાશે.
હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષનો શિયાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને લાંબો રહેવાની સંભાવના 70% થી વધુ છે. ‘ચિલ્લાઇ કલાં’ એ પર્શિયન શબ્દ છે, જેમાં “ચિલ્લા” નો અર્થ છે 40 દિવસ અને “કલાં” નો અર્થ છે મોટો. કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીનો સમયગાળો ‘ચિલ્લાઇ કલાં’ તરીકે ઓળખાય છે.
ચિલ્લાં કલાનની ગુજરાત પર અસર
- ઘણા સ્થળે મહત્તમ તાપમાન ઓછુંઃ નવેમ્બરમાં જ રાજ્યના ઘણા સ્થળે મહત્તમ તાપમાન 2થી5 ડિગ્રી ઓછું નોંધાયું
- ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી:ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો ચમકારો વધશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં.
- લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે: નલિયા, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જઇ શકે
- હિમવર્ષાના કારણે ઠંડી વધશે: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગુજરાતમાં ઠંડી વધુ સમય રહેશે

