જામનગર તાલુકાના વિભાપર ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા છે. બાદમાં, ફરાર આરોપીઓ પૈકી એકને કાર અને દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
એલસીબીને બાતમી મળી હતી કે વિભાપર ગામની મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પી.આઈ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા અને પી.એન. મોરીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે રૂ. 1,93,700ની કિંમતની 381 નાની-મોટી ઇંગ્લિશ દારૂની બોટલો અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,03,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ દરોડામાં વિભાપર ગામના પ્રેમનગરમાં રહેતા રઘુ વાકાભાઈ પરમાર અને મધુરમ સોસાયટીમાં રહેતા જયદેવસિંહ શિવુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં નાઘેડીમાં રહેતા રામભાઈ ભરવાડ અને રામભાઈ મેર દ્વારા દારૂ સપ્લાય કરાયો હોવાનું કબૂલ્યું હતું, જેથી આ બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.
ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન, મોડી રાત્રે નાઘેડી વિસ્તારમાં કન્યા છાત્રાલય પાસેથી કાર લઈને નીકળેલા રામભાઈ રામપુર જીવાભાઈ મોઢવાડિયાને પોલીસે અટકાવ્યા હતા. તેમની કારની તલાશી લેતા તેમાંથી વધુ 23 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે કાર અને દારૂ જપ્ત કરી રામભાઈ મોઢવાડિયાની ધરપકડ કરી હતી. રામભાઈ મોઢવાડિયાએ કબૂલ્યું હતું કે આ દારૂ પણ તેને નાઘેડીમાં રહેતા રામભાઈ ભરવાડે સપ્લાય કર્યો હતો. આથી, રામભાઈ ભરવાડની બંને કેસમાં શોધખોળ ચાલી રહી છે.

