ગોધરા નજીક પાનમ બ્રિજ પાસે એક ચાલુ ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સંતરોડથી ગોધરા તરફ જઈ રહેલી આ કારમાં સવાર પાંચ મુસાફરનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોધરા-દાહોદ રોડ પર સંતરોડથી ગોધરા તરફ જતી વખતે બની હતી. પાનમ નદીના બ્રિજ પાસે પહોંચતા જ કોઈ અજાણ્યા કારણોસર ગાડીમાં આગ લાગી હતી
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ગાડી ભડભડ સળગવા લાગી હતી. ગાડીમાં આગ લાગતા જ અંદર બેઠેલા ચારથી પાંચ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ડ્રાઈવર અને મુસાફરોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતરી જતા તમામનો જીવ બચી ગયો હતો.
જાહેર માર્ગ પર ગાડી સળગતી જોઈ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ રોડ સેફ્ટીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે અને અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે રોડ સેફ્ટીની ટીમે બ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરાવી ટ્રાફિકનું નિયમન કર્યું હતું.

