Gujarat

ગોંડલના વીસીને છૂટા કરાતા બનાસકાંઠા મંડળની રજૂઆત

બનાસકાંઠા વીસી મંડળે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના એક વીસીને પદ પરથી છૂટા કરવાના મામલે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. મંડળે આક્ષેપ કર્યો છે કે ખોટા વીડિયો વાયરલ કરીને વીસીઓને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કાર્યવાહી અને વીસીઓના રક્ષણની માંગ કરવામાં આવી છે.

રજૂઆત મુજબ, 18 તારીખે ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામના એક વીસીને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાત સરકારની કૃષિ સહાય યોજના અંતર્ગત ખેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા હતા.

સર્વર ડાઉન હોવાને કારણે વીસી રાત્રે પણ કામ કરતા હતા. આ વીસીના ગામમાં લગભગ 2700 ખાતા છે અને 15 દિવસમાં કામ પૂર્ણ કરવાનું હોય છે. આ કામગીરી સમયસર પૂરી કરવા માટે, વીસીએ પોતાના ખર્ચે ખાનગી માણસો રાખી રાત્રે પણ કામ કરાવ્યું હતું. જોકે, કેટલાક તત્વોએ યુટ્યુબ પર ખોટા વીડિયો બનાવી વાયરલ કર્યા હતા. આ વીડિયોના આધારે ડીડીઓએ તાત્કાલિક ધોરણે તે વીસીને પદ પરથી દૂર કર્યા હતા.

વીસી મંડળે જણાવ્યું કે વીસીને કોઈ નિશ્ચિત પગાર મળતો નથી, તેઓ ફક્ત કમિશન આધારિત કામ કરે છે. આવા સમયે રાજકીય કિન્નાખોરી કે અસામાજિક તત્વો દ્વારા ખોટા વીડિયો બનાવી વીસીઓને નુકસાન પહોંચાડવું શરમજનક છે.

મંડળે આ કૃત્યની સખત નિંદા કરી છે. બનાસકાંઠાના તમામ વીસીઓએ રાત-દિવસ મહેનત કરીને 15 દિવસમાં ખેડૂતોના તમામ ફોર્મ ભરવાની ખાતરી આપી છે. તેમણે સરકારની કામગીરી સારી દેખાય તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મંડળે માંગ કરી છે કે આવા રાજકીય કિન્નાખોરીવાળા કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે જેથી ગરીબ વીસીઓને નુકસાન ન થાય.