અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. હાટકેશ્વરબ્રિજ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે હાટકેશ્વર AMTS બસ સ્ટેન્ડ નજીક આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતાં ટી.પી રોડને ખોલવામાં આવ્યો છે. ટી.પી રોડ પર આવતા સોસાયટીના 100 જેટલા રહેણાંક મકાન અને પાંચ કોમર્શિયલ મકાન તોડવાની કામગીરી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે.

ટ્રાફિક વધતા રોડને ખોલવાની કામગીરી શહેરના ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે સીટીએમથી હાટકેશ્વર તરફ જતા ટ્રાફિક સતત વધી રહ્યો છે.
એક જ વૈકલ્પિક માર્ક હોવાના કારણે ત્યાં ટ્રાફિક થાય છે. હાટકેશ્વર AMTS બસ સ્ટેન્ડ નજીક સબ ઝોનલ ઓફિસ પાસે ટી.પી. સ્કીમ નં.25 (ખોખરા-મહેમદાવાદ)માં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડને ખોલવાની કામગીરી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

