જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર ડી.એન. મોદીએ જાતે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ હતી.
આ દબાણ ઝુંબેશ અંતર્ગત બચુનગર વિસ્તારમાં આશરે 8,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલો ઘોડાનો તબેલો દૂર કરવામાં આવ્યો. આ જગ્યા પર દિવાલની ફેન્સિંગ અને ગેટ પણ લગાવાયા હતા. કમિશનર ડી.એન. મોદી સાથે આસી. કમિશનર ભાવેશ જાની, મુકેશભાઈ વરણવા અને એસ્ટેટ શાખાનો કાફલો પણ સર્વે દરમિયાન જોડાયો હતો. નિરીક્ષણ બાદ એસ્ટેટ શાખા દ્વારા તાત્કાલિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદીને તેના મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે દિવાળી પહેલાં પણ મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જે પ્રક્રિયા ફરીથી શરૂ કરાઈ છે.

